મીઠીરોહર નજીક એક કંપનીમાં ટ્રકના પૈડાંમાં હવા ભરતી વેળાએ વધુ હવા ભરાઇ જતાં ઉછળેલું પૈડું શ્રમિકના માથામાં પટકાતાં ગંભીર ઇજાઓના પગલે મોત
copy image

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર નજીક એક કંપનીમાં ટ્રકના પૈડાંમાં હવા ભરતી વેળાએ વધુ હવા ભરાઇ જવાના કારણે આ ટ્રકનું પૈડું ઉછળતાં ગંભીર ઇજાઓના પગલે 48 વર્ષીય આધેડનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર નજીક એ. વી. જોશી કંપનીમાં મજૂરી કામ કારનાર મોહમદ શેખ નામના આધેડ કંપનીમાં વાહનોના પૈડાંમાં પંક્ચર બનાવવાનું કામ કરતા હતા. આ આધેડ ગત દિવસે સવારના અરસામાં એક ટ્રકના પૈડાંમાં પંક્ચર પડતાં તેમાં પંક્ચર બનાવી તેમાં હવા ભરી રહ્યા હતા. તે સમયે પૈડાંમાં હવા વધુ ભરાઇ જતાં ટયુબ બહાર આવી જતાં પૈડું ઉછળ્યું હતું, જેમાં નીચે નમેલા આ શ્રમિકના કપાળમાં પૈડું ધડાકાભેર અથડાતા શ્રમિક ઊંધા માથે પાછળ નીચે પટકાતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે આ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, આ બનાવ કંપનીમાં લાગેલા સી.સી.ટી.વી.માં કેદ થતાં કેમેરાના ફૂટેજ પોલીસે હસ્તગત કરી આગળની વધુ કાર્યવાહી આદરી છે.