ભચાઉ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત : ટ્રકના ચાલકનું પોતાની જ ટ્રક નીચે આવી જતાં મોત
ભચાઉ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકનો ચાલક પોતે જ પોતાની ટ્રક નીચે આવી જતાં મૃત્યુ પામ્યો હતો. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભચાઉ નજીક ધનરાજ હોટેલ નજીક આ જીવલેણ બનાવ બન્યો હતો. અહી જેક છટકી જતાં પોતાની જ ટ્રક નીચે આવી જતાં 40 વર્ષીય અજય રાયનું મોત નીપજયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ગત દિવસે સાંજના સમયે ભચાઉ નજીક હોટેલ ધનરાજનાં પાર્કિંગમાં આ ટ્રક ઊભું હતું. તે દરમ્યાન વાહનનો ચાલક અજય રાય જેક ચડાવી કામ કરી રહ્યો હતો, તે સમયે, અકસ્માતે જેક છટકી જતાં ટ્રક આગળ વધી હતી, ત્યારે આ યુવાન ટ્રકની નીચેના ભાગે અકસ્માતથી બચવા માટે ચીપકી ગયેલ હતો, પરંતુ ત્યાં ઢાળ વધારે હોવાથી ટ્રકએ ગતિ પકડી હતી અને પહેલાં ડિવાઇડરમાં ભટકાઇ તેના ઉપર ચડી જતાં ડિવાઇડરમાં આ યુવાન અથડાતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે આ શખ્સને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.