કચ્છ જીલ્લા ભાજપ દ્વારા આગામી આયોજનો અંગેની બહુહેતુક બેઠક યોજાઈ


કચ્છ જીલ્લા ભાજપ દ્વારા જેમ જેમ લોકસભા ચુંટણી નજીક આવતી જાય છે તેમ તેમ સંગઠનાત્મક ગતિવિધિઓ તેજ બનાવાતી જાય છે. એવી જ સંગઠનલક્ષી વ્યૂહરચનાના ભાગરૂપે જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેતૃત્વ હેઠળ અપેક્ષિત શ્રેણીના કાર્યકરો સાથે એક અત્યંત અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકને સંબોધતા જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે ભાજપ માટે જનસંપર્ક અને વિકાસ એ બંને અવિરત ચાલતી પ્રક્રિયાઓ છે. આવા જ જન સંપર્ક અભિયાનના ભાગરૂપે લાભાર્થી સંપર્ક અભિયાન ઉપરાંત હવે ઘર ઘર સંપર્ક અભિયાન આવી રહ્યું છે જેના થકી કચ્છ ભાજપના તમામ કાર્યકર્તાઓ પોતપોતાના ક્ષેત્ર અને બુથમાં જનસંપર્ક આદરશે અને આ માધ્યમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ થયેલ અઢળક વિકાસકાર્યો લોકો સમક્ષ લઈ જવામાં આવશે. આ ઉપરાંત માઈક્રો ડોનેશનમાં પણ યથાયોગ્ય સહયોગ આપવા સૌને અપીલ કરી હતી. આ ઉપરાંત વધુમાં શ્રી વરચંદે જણાવ્યું હતું કે આગામી તા. 31 માર્ચના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ વિશાળ “બુથ કાર્યકર્તા સંમેલન” ને સંબોધવા ભુજ ખાતે પધારી રહ્યા છે ત્યારે આ સંમેલન પુર્ણતમ સફળ બને એ માટે સૌ જવાબદાર પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો. જીલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્યએ લાભાર્થી સંપર્ક અભિયાન વિશે જણાવ્યું હતું કે છેલ્લા મહિના માસ જેટલા સમયથી લાભાર્થી સંપર્ક અભિયાન કચ્છ જીલ્લામાં ચાલી રહ્યું છે જે અન્વયે જીલ્લા ભાજપ પરિવારના લગભગ 1100 જેટલા કાર્યકરોએ 1760 જેટલા બુથો પર જઈને લગભગ 1 લાખ જેટલા લાભાર્થીઓનો સંપર્ક કરીને તેમની સમક્ષ સરકાર દ્વારા સંપન્ન થયેલ વિકાસકાર્યોની વાત રજુ કરી હતી. આ પ્રકારે હજુ આગામી દિવસોમાં પણ લાભાર્થી સંપર્ક અભિયાનને વેગવંતુ બનાવવામાં આવશે. જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ જયંતભાઈ માધાપરીયાએ માઈક્રો ડોનેશન અભિયાન વિશે જણાવ્યું હતું કે પ્રત્યેક કાર્યકર પાર્ટી સાથે એક વિચારધારાથી જોડાયેલો રહે છે અને એટલે જ પાર્ટી દ્વારા થતી અનેક પ્રકારની સામાજીક, સેવાકીય અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ માટે કાર્યકરો દ્વારા રૂ. 5 થી માંડીને રૂ. 2000 સુધીની ધનરાશિ જમા કરાવીને તેમનો સહયોગ નોંધાવતા હોય છે. આ અનુદાન નમો એપના માધ્યમથી પણ નોંધાવી શકાતું હોય છે. ઘર ઘર સંપર્ક અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ નરેન્દ્રસિંહ જાડેજાએ ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત જણાવ્યું હતું કે મોદીજીના નેતૃત્વમાં પાછલા 10 વર્ષોમાં થયેલા અઢળક વિકાસકાર્યોની દુહાઈ લઈને ભાજપી કાર્યકર્તાઓ ઘર ઘર સુધી જશે અને સરકારની કામગીરીનું ભાથું લોકો સમક્ષ મુકશે. જીલ્લાના દરેક મંડળ, દરેક શક્તિકેન્દ્ર અને દરેક બુથ પર કાર્યકરો સંગઠનની માર્ગદર્શિકા અનુસાર પ્રત્યેક ઘર સુધી પ્રત્યક્ષ સંપર્ક કરશે. આ ઉપરાંત જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ આગામી તા. 31/3/23 અને રવિવારના રોજ બપોરે 1 કલાકે યક્ષ મંદિર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહીને એક વિશાળ “બુથ કાર્યકર્તા સંમેલન” સંબોધવા આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમના આયોજન અંગે કોઈ કચાસ રહી ન જાય એ વિષય પર ઝીણવટભરી ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં કચ્છ લોકસભા બેઠકના સંયોજક ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, જિલ્લા ભાજપના મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, ધવલભાઈ આચાર્ય, કચ્છ લોકસભાના વિસ્તારકશ્રી વૈભવભાઈ બોરીચા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું સંચાલન જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિએ કર્યું હતું. જિલ્લાના વિવિધ હોદ્દેદારો, મંડળના પ્રભારીઓ, મંડળના પ્રમુખ-મહામંત્રીઓ અને જિલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ સહિત અપેક્ષિત શ્રેણીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મિડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.