ભરૂચના વેજલપુર ઘાંચીવાડ ખાતે સોના-ચાંદીના દાગીના ધોઇ આપવાના બહાને બાઇક પર આવેલાં બે શખ્સોએ એક વૃદ્ધા સાથે ઠગાઇ કરી તેમની ૩ તોલાની બે બંગડીઓ લઇ ફરાર થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે. ઘાંચીવાડ ખાતે રહેતાં અનસૂયાબેન વખારીયા એકલવાયું જીવન જીવે છે.ગઈકાલે તેઓ બપોરના સમયે ઘરમાં પોતાની નિત્ય પ્રક્રિયામાં જોતરાયેલાં હતાં. તે વેળાં એક બાઇક પર બે શખ્સો તેમની પાસે આવ્યાં હતાં. તેમણે તેઓ સોનાની વસ્તુઓ ચમકાવી આપતાં હોવાનું જણાવી તેમને વાતોમાં ભોળવી હતી. દરમિયાનમાં તેમણે તેમની પાસેથી બન્ને હાથમાં પહેરેલી કુલ ૩ તોલાની બે બંગડીઓ કઢાવી લીધી હતી. જે બાદ તેઓ તેને સાફ કરવાની પેરવીમાં જોતરાયાં હતાં. અરસામાં ગઠિયાઓએ પરસેવો બહુ થયો હોઇ પાણી આપવાનું કહેતાં તેઓ ઘરમાં ગયાં હતાં. દરમિયાનમાં તકનો લાભ ઉઠાવી બન્ને ગઠિયાઓ બંગડી લઇને ત્યાંથી નાસી છુટ્યાં હતાં. અનસૂયાબેને જણાવ્યું હતું કે, તેઓને કોઇ ખબર જ ન પડી કે શું થયું. થોડા સમય બાદ તેમના હાથની બન્ને બંગડી ગાયબ હોઇ અને બન્ને શખ્સો ત્યાં ન હોવાથી ઠગાયાનો અહેસાસ થતાં આસપાસના લોકોને જાણ કરતાં તેમની મદદથી તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરવાની કવાયત હાથ ધરી છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ