દહેજથી કોલસો ભરીને એક ટ્રેન ભરૂચ તરફ આવવા રવાના થઇ હતી. દરમિયાનમાં માલગાડીના અંતિમ બોગીમાં નખાયેલાં કોલસામાંથી કોઇ કારણસર અચાનક ધુમાડા ઉડવા લાગ્યાં હતાં. જે અંગે માલગાડીના ડ્રાઇવરને જાણ કરવામાં આવતાં તેણે તુરંત સમની સ્ટેશન પર માલગાડી ઉભી કરી દીધી હતી. બીજી તરફ કોલસામાં આગ ભભુકે તેવી દહેશત વચ્ચે તેમણે તુરંત ભરૂચ નગરપાલિકાના લાશ્કરોને જાણ કરતાં ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઇ હતી. લાશ્કરોએ ધુમાડા નિકળતાં કોલસા ભરેલી વેગનમાં પાણીનો મારો ચલાવી કોલસા ઠારતાં ધૂમડા નિકળવાના બંધ થઇ ગયાં હતાં. એક કર્મીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, હાલમાં ઉનાળાની ઋતુ હોઇ આકાશમાંથી પડતી ગરમીમાં બોગીમાં લઇ જવાતાં કોલસામાં આગ લાગવાની શક્યતાઓ હોય છે. બીજી તરફ કોલસાનું વહન કરતી વેળાં તેના પર પુરતા પ્રમાણમાં પાણી છાંટવાનું હોય છે તેમ ન થાય તો કોલસામાં અંદરો-અંદર ઘર્ષણ થવાને કારણે આગ લગવાની શક્યતાઓ હોય છે. ઉપરાંત ચાલુ ટ્રેનમાં તેમાં કોઇ જ્વલનશીલ તણખલું પડ્યું હોય કે પછી રેલવેની ઓવરહેડ વીજ લાઇનમાંથી તણખાં ઝરવાને કારણે પણ આગ લાગી શકે છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ