પાર્કિંગનો અભાવ હોતા ભુજવાસીઓ ટ્રાફિકનીસમસ્યાથી ત્રસ્ત
copy image

શહેરનો વિકાસ વધવા સાથે વાહનોની સંખ્યા પણ વધી છે. ત્યારે પાર્કિંગ સુવિધાના અભાવે આડેધડ ઊભતા વાહનને કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાનો સતત સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યા નિવારવા જવાબદાર તંત્ર દ્વારા પાર્કિંગ પ્લોટ તથા નવા માર્ગો વિકસાવવા સમયની માંગ છે.શહેરમાં પાર્કિંગની સુવિધાના અભાવે વાહનો માર્ગો પર આડેધડ ઊભા રખાતાં કોટ અંદરના વિસ્તારોમાં દરરોજ ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત બની ચૂક્યા છે. ભુજના મુખ્ય એવા જ્યુબિલી સર્કલ જાણે કોઈ મેગાસિટીમાં હોય તેટલો ટ્રાફિક હોવાથી લોકો અકળાઈ રહ્યા છે. આવો જ એક માર્ગ આર.ટી.ઓ રિલોકેશનથી માધાપર જતા માર્ગની પણ હાલત છે. ભુજ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા કલેકટર, ભાડા સહિતના તંત્રમાં રજૂઆતો સાથે ઊપાયો પણ સૂચવ્યા હતા. – પાર્કિંગ પ્લોટ વિકસાવો , આ અંગે ચેમ્બર પ્રમુખ અનિલભાઈ ગોરએ કહ્યું કે, ભુજમાં ટી.પી. પ્લાન અમલમાં આવ્યો પણ ભાડા દ્વારા પાર્કિંગ પ્લોટનો વિકાસ કરવામાં આવ્યો નથી. ટ્રાફિક સમસ્યા દુર કરવાના ઉપાય સૂચવતા શ્રી ગોરે જણાવ્યું કે, પાર્કિંગ સમસ્યા દૂર કરવા ટાવર્સ-870 પૈકીની જમીનોમાં પાર્કિંગ પ્લોટ ડેવલપ કરવામાં આવે. આ ઉપરાંત ભુજ શહેરની વચ્ચેથી પસાર થતા ઓવરલોડ મોટા વાહનોથી થતા જીવલેણ અકસ્માત થતા અટકાવવા ભુજ બહારથી પસાર થતો ડી.પી. રોડ બનાવવા જરૂરી છે. –જેથી 50 ટકા રાહત થાય : ડી.પી. પ્લાનમાં દર્શાવાયેલા રોડ પૈકી હાલમાં વિકસાવવા જેવા રોડમાં મુખ્યત્વે ડી.વાય.એસ.પી. બંગલોની સામેથી જતો ભુજ ઈંગ્લિશ સ્કૂલ થઈ સેંટ ઝેવિયર્સ સ્કૂલ ક્રોસ કરી ભુજીયા રિંગરોડને અડતો રોડ, ભાનુશાલી નગરથી લાલન કોલેજ જતો 36 મિટરનો રોડ, હોસ્પિટલ રોડની સામે જીઈબી ઓફિસથી પસાર થતો 18 મિટરનો રિંગ રોડ, કોવઈ નગરથી નવી કેન્સર હોસ્પિટલ થઈ સુખપર ફાટક સુધીનો 18 મિટર રોડ તેમજ ભુજથી માધાપરને જોડતો મુખ્ય જૂનો રોડ આર.ટી.ઓ. રિલોકેશન સાઈટથી આર્મી કેમ્પસ ગેટ થઈને ગાંધી સર્કલ સુધીનો 36 મિટર રોડ ખૂલે તો 50 ટકા જેટલી ટ્રાફિક સમસ્યા હલ થઈ જાય. સુખપરથી ભુજોડી સુધી બાયપાસ ટી.પી.માં બતાવેલો છે જે ખોલવો જોઈએ જેથી મોટા વાહનો ભુજ સુધી આવે જ નહીં. તો, પ્રમુખસ્વામીથી આર.ટી.ઓ. આવતા ભારે વાહનો હોટલ પ્રિન્સ રેસિડેન્સીથી સેવન સ્કાય થઈ નાગોર ફાટક મોટા વાહનો વાળવામાં આવે તો આર.ટી.ઓ. પાસે થતા અકસ્માત નિવારી શકાય. પાર્કિંગ પ્લોટ વિકસાવવા ભાડા, નગરપાલિકા એકમેક પર જવાબદારીની ફેંકાફેંક કરી રહી છે. કલેકટર તથા ઉપરોકત કચેરીઓ સંયુકત નિર્ણય લે તો 24 વર્ષથી વણઉકેલ્યો પ્રશ્ન ઉકેલી શકાય તેવું શ્રી ગોરે જણાવ્યુ હતું.