ફરજ બજાવતા નગરપાલિકાના કર્મચારી પર હુમલો

 શહેરમાં પાણીનો પ્રશ્ર આકરાં પ્રમાણમાં  થયો હોય ત્યારે પાણીના કકળાટને લઈને શનિવારથી અડધી રાતે બોરવેલ ચાલુ કરવાના મુદ્દે નગરસેવકે નગરપાલિકાના કર્મચારી પર હુમલો કરી ફરજમાં રુકાવટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધી હતી. રવિવારે રાત્રીના એકાદ વાગ્યે ફાયર સ્ટેશનની બાજુમાં ભુજિયા ટાંકા પાસે થયેલા આ હુમલા અંગે બી-ડિવિઝન પોલીસ મથકે નગરપાલિકામાં વોટર સપ્લાય એન્જિનીયર તરીકે ફરજ બજાવતા  કર્મચારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ કુકમા સમ્પની લાઈન ચાલુ કરીને ભુજિયા સમ્પ પાસે ટીમ સાથે આવતા આરોપીએ ગોરે સેનેટરી ટાંકા પર આવેલો બોરવેલ હમણા ચાલુ કરવા કહ્યું હતું. ફરિયાદીએ કહ્યું કે,કુકમા સમ્પથી ભુજિયા સમ્પ સુધી પાણી આવે તેની રાહ જોઈ રહ્યા છીએ. એક-બે દિવસમાં બોરવેલ ચાલુ કરી દેશું. આથી આરોપીએ તેના વિસ્તારમાં મોટરો ચાલુ રાખવાનું કહી ફરજમાં રુકાવટ કરી ગાળા-ગાળી કરીને જાન લેવા હુમલો કરી   માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભુજિયાનો ટાંકો 10થી 1પ ફૂટ ઊંચો અને તેની આજુ-બાજુ પથરાળ છે. આવા માર ધક્કાથી ફરિયાદી પડી જાત તો તેની શું હાલત થાત તેવી દહેશત પણ ફરિયાદમાં લખાવી છે. ઉપરાંત આરોપી દારૂના નશામાં હોવાનું પણ ફરિયાદીએ  જણાવ્યુ અને   ફરિયાદમાં લખાવ્યા મુજબ   પોલીસે ફરજમાં રુકાવટ, ધાકધમકી સહિતની કલમો તળે ગુનો દાખલ કરી આગળની  કાર્યવાહી હાથ ધરી છે.