આદિપુરમાં બાઇકના શોરૂમમાં એક શખ્સ વિરુદ્ધ રૂા.3,25,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ
આદિપુરમાં બાઇકના શોરૂમમાં એક ગ્રાહકને બાઇક વેચી તેની રકમ પોતે રાખી તથા અન્ય એક ગ્રાહક પાસેથી એડવાન્સ લઇ શોરૂમમાં જમા ન કરાવી પોતે રકમ રાખી લેતાં એક શખ્સ વિરુદ્ધ રૂા.3,25,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આદિપુરમાં આવેલ કાર્ગો મોટર સાઈકલ એલએલપી જનરલ મેનેજરએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી જાવા યેઝડીના આ શોરૂમમાં હતા, ત્યારે રાપરના એક શખ્સ અને અન્ય વ્યક્તિ ત્યાં આવ્યા હતા અને સેલ્સ મેનેજર કયાં છે અમારી બાઇકની લોન તમે શા માટે અટકાવો છો ? તેવા પ્રશ્નો કર્યા હતા. આ વ્યકિતએ રૂપિયા આપી દીધા હોવા છતાં આવું થતાં ફરિયાદીએ તપાસ કરી હતી. આ વ્યક્તિએ સેલ્સ મેનેજર ને રૂા.2.85 લાખ આપ્યા હતા. ફરિયાદીએ તે દિવસના સીસીટીવી ફૂટેજ તપાસતાં સેલ્સ મેનેજર પૈસા લેતો અને પોતાના ખિસ્સામાં નાખતો નજરે પડયો હતો. આ શખ્સને ફોન કરાતાં તેનો ફોન બંધ આવ્યો હતો. બાદમાં ફરિયાદી તેના ઘરે જતાં તેણે પૈસા લીધેલાનું જણાવી અને અચાનક પૈસાની જરૂરિયાત ઊભી થતાં પોતે વાપરી નાખ્યા હોવાનું કહ્યું હતું. બનાવ બહાર આવતાં ફરિયાદીએ અન્ય ગ્રાહકોનો પણ સંપર્ક કર્યો હતો, જેમાં એક વ્યક્તિને બાઇકની ડિલિવરી જોઇતી હોવાથી તેમણે પણ એડવાન્સમાં પૈસા આપ્યા હતા. જે કુલ રૂા.40,000 આ સેલ્સ મેનેજર પોતાની પાસે રાખી લીધેલાનું સીસીટીવીમાં જોવા મળ્યું આ શખ્સ વિરુદ્ધ કુલ રૂા. 3,25,000 ની છેતરપિંડી ની ફરિયાદ પોલીસે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.