ગળપાદર નજીક ખાણ ખનિજના કર્મચારી પર હુમલો

અંજાર તાલુકાના મેઘપર બોરીચીની સીમમાં અંજાર-ગળપાદર ધોરીમાર્ગ ઉપર પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર એવા ફરિયાદી અને સુરક્ષાકર્મી ગત તા. 1-5ના સવારે અંજાર- ગળપાદર ધોરીમાર્ગ ઉપર વાહનોની તપાસ કરી રહ્યા હતા તેવામાં ડમ્પર આવતાં તેને રોકાવી ચાલક પાસેથી બ્લેકટ્રેપ (રબ્બલ) ખનિજ અંગે રોયલ્ટી પાસ પરમિટની માંગ કરાઇ હતી, જે ન આપી શકતાં ફરિયાદીએ સરકારી એપ્લિકેશનમાં જોતાં તેમાં 23.30 મેટ્રિક ટનની પરવાનગી દેખાતાં, પરંતુ વાહનમાં વધુ ખનિજ જણાતાં તેનું વજન કરાવવા લઇ જવાતું હતો. આ વાહન મહિન્દ્રા કંપનીના શો રૂમ પાસે પહોંચતાં આરોપી ડમ્પર માલિક બાઇક લઇને ત્યાં પહોંચ્યો હતો અને ડમ્પર રોકવી લીધું હતું. વાહનને સીઝ નહીં કરવા દઉં, કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી સુરક્ષાકર્મી ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. અને બાદમાં વાહનમાં ભરેલ ખનિજ રોડની બાજુમાં ખાલી કરી વાહન લઇને ત્યાંથી નાસી ગયો હતો. દરમ્યાન ખનિજ વિભાગના કર્મીઓને માલ કયાંથી ભરાયું હતું તે તપાસ કરતાં અંજાર સીમમાં એક શખ્સની લીઝ ખાતેથી આ વાહન ભરાયું હોવાનું બહાર આવ્યું હતું. ત્યાં આ ટીમ જતાં ત્યાં ડમ્પર અને પાવતી રજૂ કરાતાં ખનિજ વિભાગે વાહન જપ્ત કર્યું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.