અદાલતે ચેક બાઉન્સના કેસમાં આરોપીઓ વિરુદ્ધ કર્યો સજાનો હૂકુમ
ચેક બાઉન્સના બે અલગ-અલગ કેસમાં અદાલતે આરોપીઓને 18-18 મહિનાની સાદી કેદ અને વળતર પેટે ચેકની બમણી રકમ ચૂકવવા આદેશ કરાયો હતો, જ્યારે અન્ય ચેક પરતના એક કેસમાં રામપર વેકરાના વેપારી શખ્સને માંડવીની જ્યુડિશિયલ કોર્ટે એક વર્ષની કેદનો હૂકુમ કરાયો હતો. કોર્ટે તે ફેસલો કાયમ રાખ્યો હતો.
આદિપુરમાં ક્રિષ્ના પેટ્રોલપંપના સંચાલક પાસેથી એમ.કે. લોજિસ્ટિકના માલિક વારંવાર ડીઝલની ખરીદી કરતા હતા. તે દરમ્યાન તેમણે ફરિયાદી પાસેથી રૂા. 9.50 લાખ ઉધાર લીધા હતા, જેની સામે ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાંથી પરત ફર્યો હતો, જેથી કોર્ટમાં ફરિયાદ કરાઇ હતી. ફરિયાદી પક્ષના વકીલની દલીલોને ધ્યાને લઇ ન્યાયાધીશએ આરોપીને 18 મહિનાની સાદી કેદની સજા અને ચેકની બમણી રકમ રૂપિયા 19 લાખ વળતર પેટે ચૂકવવા આદેશ આપ્યો હતો.
અન્ય એક બનાવ અંગે મળતી વિગતો અનુસાર અહીંની સોમ્રતા એઝીમ પ્રા. લિ.એ એમ.પી. ઇમ્પેક્સના માલિક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. તહોમતદારે ફરિયાદી પાસેથી રૂા. 11,32,303નું લાકડું ઉધારથી ખરીદી કર્યું હતું. આ પેટે રૂા. 6,50,444નો ચેક આપ્યો હતો. જે બેંકમાંથી પરત ફરતા વકીલ મારફતે નોટિસ મોકલાવી હતી. ત્યારબાદ કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી, જેમાં ન્યાયાધીશ દ્વારા આરોપીને 18 મહિનાની સજા અને ચેકની બમણી રકમ રૂપિયા 13,00,888 વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.
બીજી તરફ રામપરના શખ્સએ જામથડાના શખ્સને રૂા. 1,88,010નો ચેક આપ્યો હતો, જે પરત ફર્યો હતો. આ કેસમાં માંડવીની કોર્ટે તેને ગુનેગાર ઠેરવી એક વર્ષની સાદી કેદ અને 5 હજારનો દંડ તથા વળતર પેટે ચેકની રકમ આપવા હુકમ કર્યો હતો, જેની સામે સેશન્સ કોર્ટમાં આપીલ કરાઇ હતી. કોર્ટે અપીલ નામંજૂર કરી જ્યુડિશિયલ કોર્ટનો આદેશ કાયમ રાખ્યો હતો.