કચ્છમાં વધુ બે શખ્સોને ચાર જિલ્લામાંથી હદપાર કરાયા
કિડાણાના અને ખારી રોહરના બને શખ્સો વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે મારામારી સહિતની કલમો તળે ગુના નોંધાયેલા છે. આ બંને શખ્સોના હદપારનાં કાગળ તૈયાર કરી અંજાર પ્રાંત કચેરીમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી. ત્યાંથી કાગળ મંજૂર થતાં આ બંને શખ્સોને કચ્છ તથા અડીને આવેલા મોરબી, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યા હતા.
બીજી બાજુ લિસ્ટેડ બુટલેગરો વિરુદ્ધ અસર કરતી કાર્યવાહી કરવા પણ પોલીસે કમર કસી છે જે અંતર્ગત રાપરના શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ શખ્સ વિરુદ્ધ આડેસરમાં બે, સામખિયાળી, અંજાર અને રાપર પોલીસ મથકે દારૂ સંબંધી ગુના નોંધાયેલા છે. આ શખ્સના પાસાનાં કાગળ તૈયાર કરી પ્રાંતને દરખાસ્ત કરાઇ હતી. ત્યાંથી લીલીઝંડી મળતાં આ શખ્સની ધરપકડ કરી તેને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
બીજી તરફ માંડવી તથા ભુજ બી-ડિવિઝન પોલીસ મથકમાં દારૂ સંબંધી નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા માંડવીના શખ્સ વિરુદ્ધ પણ પશ્ચિમ કચ્છ સ્થાનિક ગુનાશોધન શાખાએ કરેલી કાર્યવાહીમાં જિલ્લા મેજિસ્ટ્રેટને પાસા હેઠળ દરખાસ્ત મોકલતાં તે ગ્રાહ્ય રખાઈ હતી અને તેની પાસા હેઠળ ધરપકડ કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલાયો હતો.