લોદ્રાણીમાં ૪ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
copy image

લોદ્રાણીમાં બોલેરોનાં ઠાંઠાંમાં ગોદડાં નીચેથી પોલીસે દારૂ શોધી કાઢ્યો હતો. આ વાહનમાંથી રૂા. 4,20,760ના શરાબ સાથે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો તેમજ દારૂ મગાવનારો શખ્સ હાજર મળ્યો ન હતો. બેલા ગામ તરફથી આવતી બોલેરો ગાડીનાં ઠાંઠાંમાં ઉપર ગોદડાં નીચે દારૂ સંતાડીને બે શખ્સ આવી રહ્યા હોવાની પૂર્વ બાતમીના આધારે બાલાસર પોલીસે વોચ ગોઠવી હતી. બેલા બાજુથી આ ગાડી આવતાં તેને રોકાવા જતાં આ ગાડીના ચાલકે પોતાનું વાહન ઊભું ન રાખી આગળ હંકારી દીધું હતું. પોલીસે તેનો પીછો કરતાં આ વાહન લોદ્રાણી ગામમાં લઈ જઈ તેમાંથી બે શખ્સ ઊતરી ભાગવા લાગતાં રાપરના અયોધ્યાપુરીમાં રહેનાર શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો, જ્યારે અયોધ્યાપુરી રાપરમાં જ રહેનાર શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો. પકડાયેલો શખ્સ અને બોલેરોને પોલીસ મથકે લઈ જવાયા હતા, જ્યાં વાહનનાં ઠાંઠાંમાં તપાસ કરતાં ગોદડાં નીચેથી દારૂની પેટીઓ મળી આવી હતી. આ વાહનમાંથી ગ્રીન લેબલ 750 એમ.એલ.ની 132 બોટલ, ગ્રીન લેબલ 375 એમ.એલ.ની 96 બોટલ, વ્હાઈટ લેસના 180 એમ.એલ.ના 2,352 ક્વાર્ટરિયા, 8 પી.એમ.ના 1,152 ક્વાર્ટરિયા તથા કિંગફિશર બિયરના 64 ટીન એમ કુલ રૂા. 4,20,760નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલો શખ્સો દારૂ ભરી લાવી રાપર શિવશેરીમાં રહેતા શખ્સ ને આપવાના હતા, પરંતુ દારૂ ક્યાંથી ભરી લાવ્યા હતા તે બહાર આવ્યું નહોતું. નાસી ગયેલા શખ્સોને પકડી પાડવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.