અંકલેશ્વર હાઇવે પર નેશનલ પેટ્રોલિયમ પમ્પ સામે મોટર સાઇકલ સવાર યુવાનને આઇસર ટેમ્પો ચાલકે ટક્કર એક શખ્સનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય બેને ઇજાઓ થઈ હતી. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના હનુમાન ફળિયામાં રહેતા ૨૯ વર્ષીય લક્ષ્મણ રણજિતભાઈ વસાવા પોતાની મોટર સાઇકલ નંબર જીજે 16 બીએ 6073 ઉપર ગામના જ વનમાળ રતિલાલ અને ભદ્રેશ કાલિદાસ વસાવા સાથે નવ જીવન હોટલ ખાતે રાત્રિના અરસામાં ચા પીવા આવ્યા હતા. જેઓ પાછા બાઈક લઈ પોતાના ગામ જઇ રહ્યા હતા. તે વેળા નેશનલ પેટ્રોલિયમ પમ્પ નજીક પાછળથી પુરપાટ અને ગફલત ભરી રીતે ઘૂસી આવેલ અજાણ્યા આઇસર ટેમ્પોના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લક્ષ્મણ વસાવાને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈક પર સવાર અન્ય શખ્સોને ગંભીર ઇજાઓ થઈ હતી. જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.