દુધઈના ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો
દુધઈના ગ્રામ પંચાયતમાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કરાર આધારિત નોકરી કરનારા કર્મચારીને રિશ્વત વિરોધી બ્યૂરોએ રૂા. 2000ની લાંચ લેતાં પકડી પાડયો હતો. આ બનાવના ફરિયાદીને તેમના માતા-પિતા દ્વારા વારસાઈમાં જમીન મળી હતી અને ફરિયાદી જમીનના ખેડૂત ખાતેદાર હોવાથી ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના સહાય મેળવવા માટે દુધઈ ગ્રામ પંચાયતના વી.સી.ઈ. ને મળ્યા હતા. આ આક્ષેપિત આરોપીએ ફરિયાદી પાસે તેમનું ફોર્મ ભરી આપી અને કાર્યવાહી કરવાની અવેજીમાં ફરિયાદી પાસેથી રૂા.2000ની લાંચની માંગ કરી હતી, પરંતુ ફરિયાદી ખેડૂત લાંચની આ રકમ આપવા ન માગતા હોવાથી તેમણે ગાંધીધામમાં પૂર્વ કચ્છ એસીબીનો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપી હતી જેના આધારે એસીબીએ આજે લાંચનું છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીએ કરાર આધારિત કર્મચારીનો સંપર્ક કરી હેતુલક્ષી વાત કરી તેમનું ફોર્મ ઓનલાઈન ભરી આપવા જણાવ્યું હતું. દુધઈ ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ કેન્દ્ર કોમ્પ્યુટર રૂમમાં હાજર આક્ષેપિત આરોપીએ કામ કરવાની અવેજીમાં લાંચના રૂા. 2000 સ્વીકારતાં એસીબીએ આ કર્મચારીને રંગે હાથ ઝડપી લીધો હતો.