વાગડ પંથકમાં વધુ બે શખ્સો દેશી બંદૂક સાથે ઝડપાયા
ભચાઉ-રાપરમાં પોલીસે બે શખ્સોને બે દેશી બંદૂક સાથે પકડી પડ્યા. ભચાઉના જૂની બંધડી વાડીવિસ્તાર તથા રાપરના ધાડધ્રોમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન નેરના મેવાડાનગરમાં રહેનાર શખ્સ એ જૂની બંધડી ગામે એક શખ્સની વાડી ભાગમાં રાખી ખેતીકામ કરે છે અને આ વાડીમાં બાવળોની ઝાડીમાં દેશી દારૂનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી.એ કાર્યવાહી કરી હતી. દેશી દારૂ શોધવા ગયેલી પોલીસે વાડીમાં ઓરડી પાસેથી આ શખ્સ ની ધરપકડ કરી હતી. તેને સાથે રાખી બાવળની ઝાડીમાં દારૂની શોધખોળ વચ્ચે અહીંથી દેશી બંદૂક મળી આવી હતી. પરવાના વગર બંદૂક રાખનારા આ શખ્સ પાસેથી રૂા. 3000ની દેશી બંદૂક હસ્તગત કરવામાં આવી હતી. બીજીતરફ રાપરની સ્થાનિક પોલીસ જૂના ત્રંબૌ બાજુ મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન કોઠાવાળી ધાર ધાડધ્રોમાં રહેનાર શખ્સ પાસે બંદૂક હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્યાં ધસી ગઇ હતી. પોતાનાં મકાનની બહાર ખૂલી જગ્યામાં ખાટલો નાખી સૂઇ રહેલા આ શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો અને ખાટલા નીચેથી રૂા. 5000ની દેશી બંદૂક જપ્ત કરવામાં આવી હતી. આ બંને તપાસ દરમ્યાન દેશી બંદૂક ક્યાંથી આવી હતી તે બહાર આવ્યું નહોતું.