શહેરના વોર્ડ-8/અના સુભાષ્નગર વિસ્તારમાં આવેલા મકાનમાં બે ઇસમો ઘરના ખુલ્લા દરવાજામાંથી અંદર પ્રવેશી કબાટમાં રાખેલી 25,000 ની સોનાની ચેન, રૂ.2,000 રોકડા અને રૂ. 500 ની કિંમતના મોબાઇલ સહીત કુલ રૂ.27,500 ની માલમત્તા તસ્કરી કરી ગયાનો બનાવ એ-ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયો છે. આ અંગે વોર્ડ-8/એ માં આવેલા સુભાષનગરના મકાન નંબર 102/2માં રહેતા 40 વર્ષીય વેપારી આશિષકુમાર મુકેશભાઇ મોદીની ફરિયાદને ટાંકી પીએસઓ વિજય મહેશ્વરીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.29/3 ના વહેલી સવારથી બપોરના અરસા દરમીયાન બે અજાણ્યા ઇસમો ઘરનો ખુલ્લો દરવાજો જોઇ અંદર ઘૂસ્યા હતા અને કબાટ ખોલી તેમાં રાખેલી રૂ. 25,000 ની કિંમતની સોનાની ચેન, રૂ. 2,000 રોકડા અને રૂ. 500 ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂ. 27,500 નો માલમત્તાની તસ્કરી કરી નાસી છૂટયા હતા. આ બનાવમાં કાર્યવાહી પીએસઆઇ એસ.એન. કરંગીયા ચલાવી રહ્યા છે. ઉનાળાની ગરમીના દિવસોમાં રાત્રે પણ ઘણા પરીવારો ઘરના દરવાજા ખુલ્લા રાખીને સૂવે છે ત્યારે સંકુલના તસ્કરો હવે તો ખુલ્લા ઘરોમાં ઘૂસી તસ્કરીને બેધડક અંજામ આપી રહ્યા છે ત્યારે આ તસ્કરીના બનાવો રહેવાસીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે.