દુબઈ ફરવા ગયેલા વેપારીના ઘરમાંથી ૧૦.૮૨ લાખની તસ્કરી

સુરત અડાજણ, પરશુરામ ગાર્ડન નજીકની રણછોડ પાર્ક સોસાયટીમાં આવેલા વેપારીના બંગલાને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રૂ. ૧૦.૮૨ લાખની મત્તા પર હાથફેરો કરી ગયા હતા. વેપારી પરિવાર સાથે દુબઈ ફરવા ગયા હતા, તે સમય દરમિયાન તસ્કરોએ તેમના બંગલાને નિશાન બનાવ્યો હતો. અડાજણ પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ તસ્કરીની તપાસમાં જોડાઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર અડાજણ, પરશુરામ ગાર્ડન નજીકની રણછોડ પાર્ક સોસાયટીમાં બંગલા નં. ૬માં રહેતા મનિષકુમાર ઘીવાલા કન્ટ્રક્શન સામગ્રીનો વેપાર કરે છે. તેઓ ગત દિવસોમાં પરિવાર સાથે દુબઈ ફરવા ગયા હતા. દરમિયાન ગત તા. ૩૧મીએ બપોરના અરસામાં તેમના સસરા દિલીપભાઈ રતિલાલ જરીવાલા (રહે. પ્રતિક રો હાઉસ, હનિપાર્ક રોડ, અડાજણ)ને પરિચિતે ફોન કરી મનિષકુમારના બંગલાનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરી હતી. ત્યારબાદ તેઓ કંઈક અજુગતું બન્યું હોવાની શંકા સાથે રણછોડ પાર્ક સોસાયટીમાં દોડી આવ્યાં હતા. બંગલામાંથી સોના-ચાંદીના દાગીના, કિંમતી ઘડિયાળો અને રોકડાની તસ્કરી થઈ હતી. મનિષકુમાર દુબઈથી પાછા ફરતા તેમના બંગલામાંથી રૂ. ૧૦.૮૨ લાખની મત્તા તસ્કરી થઈ હોવાની ફરિયાદ અડાજણ પોલીસના ચોંપડે નોંધાઈ હતી. અજાણ્યા તસ્કરો ગત તા. ૨૩મીએ રાત્રથી લઈ ૩૧મીએ બપોરન અરસા દરમિયાન તસ્કરી કરી ગયા હોવાની ફરિયાદ લખવાઇ છે. પોલીસ કાર્યવાહી દરમિયાન એક બંગલાના સીસીટીવી કેમેરામાં બે શકમંદ વ્યક્તિ દેખાયા છે. જેની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *