વડોદરા શહેરના મકરપુરા રસ્તા પર રહેતા સાસુ-વહુ ગત ૩૦મી તારીખે સંબંધીના ઘરે રોકાતા તેઓના બંધ મકાનમાં રાત્રિના અરસામાં તસ્કરો ત્રાટક્યા હતા અને તેઓએ જાળીનું તાળુ તોડી ઘરમાંથી રોકડ અને દાગીના સહિત ૧.૬૦ લાખની મતાની તસ્કરી કરી હતી. મકરપુરા રસ્તા પર આવેલી શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા નિરાલીબેન દિવ્યેશભાઈ પટેલના પતિ હાલ મલેશિયામાં રહેતા હોઈ તે અત્રે તેમના સાસુ-સસરા સાથે રહે છે અને તેમના સસરા ફેબ્રીકેશનનો વેપાર કરે છે. ગત ૩૦મી તારીખના સાંજના અરસામાં તેમના સાસુ ઈલાબેન મકાન બંધ કરી સુરત ખાતે રહેતા સંબંધીના ઘરે ગયા હતા અને નિરાલીબેન વેમાલી ખાતે રહેતા માસી સાસુના ઘરે જતા રાત્રિના અરસામાં ત્યાં જ રોકાયા હતા. દરમિયાન રાત્રિના અરસામાં તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાની જાળીને મારેલું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનના ઉપરના માળે તિજોરીમાંથી રોકડા ૪૦,000 તેમજ સોનાચાંદીના વિવિધ દાગીના સહિત ૧.૬૦ લાખની મતાની તસ્કરી કરી ગયા હતા. તસ્કરીના બનાવની જાણ થતાં ઘરે દોડી આવેલા નિરાલીબેને આ બનાવની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી.