સામખિયાળી રસ્તા ઉપર બેફામ વાહન વ્યવહારને કારણે ફરી એક જીવલેણ અકસ્માત સર્જાયો છે જેમાં છકડો રિક્ષામાં હાજીપીરના મેળામાં કટલેરી વેચવા જઇ રહેલા પરિવારના છકડાને પુરપાટ જઇ રહેલા ટ્રક ચાલકે અડેફેટે લેતાં પલટી મારી ગયેલા છકડામાં સવાર 18 વર્ષના યુવાનનું ગંભીર ઇજાઓ થવાથી મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે સામખિયાળી પોલીસ સ્ટેશનના પીએસઓ ભરત જાદવે મુળ યુપીના રામગઢના હાલે અમદાવાદના રખિયાલમાં રહેતા 43 વર્ષીય મોહમ્મદફિરોઝ મહમ્મદસહમદ સૈયદની ફરિયાદને ટાંકી વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના જીજે 27 ટી 7970 નંબરના અતુલ છકડામાં પરિવાર સાથે હાજીપીરના મેળામાં કટલેરીના વેપાર માટે જઇ રહ્યા હતા તે દરમિયાન ગત બપોરના આરસામાં સામખિયાળી નેશનલ હાઇવે ઉપર અજન્તા ફેક્ટરી સામે પહોંચ્યા હતા ત્યારે પુરપાટ આવી રહેલા ટ્રકના ચાલકે છકડાને ટક્કર મારતાં છકડો પલટી મારી ગયો હતો જેમાં સવાર ફરીયાદીના 18 વર્ષીય ભાણેજ રિઝવાન નિઝામુદીન સૈયદને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી જતાં ટ્રકના નંબર પણ જાણી શકાયા ન હતા. પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નો઼ધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં કાર્યવાહી પીએસઆઇ વાય.જે.ઝાલા ચલાવી રહ્યા છે.