સરકાર દ્વારા જિલ્લાની તમામ શાળાઓને ફાયરનાં સાધનો રિફિલિંગ કરવા સૂચના અપાઈ
રાજકોટના અગ્નિકાંડની ઘટનાથી અને હાઈકોર્ટનાં આદેશથી સરકાર હરકતમાં આવી ગઈ છે. તમામ જાહેર સ્થળો કે જ્યાં મોટા પ્રમાણમાં પબ્લિકની અવર-જવર રહે છે તે સ્થળોએ ફાયર સેફ્ટીનાં સાધનોની સુવિધા અને ફાયર એનઓસી હોવી જોઈએ. જે સ્થળોએ ફાયર સેફટીનાં સાધનો કે ફાયર એનઓસી ન હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સરકારે સૂચના આપી છે. કચ્છની તમામ શાળાઓમાં પણ આ સંદર્ભે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને તમામ શાળાઓને ફાયરનાં સાધનો રિફિલિંગ કરવા અને ગ્રાઉન્ડ ફલોરથી પ્રથમમાળવાળી શાળાઓએ ફાયર એનઓસી મેળવવા જિલ્લા કક્ષાએથી સૂચના આપવામાં આવી છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લાની એક પણ શાળામાં સલામતી મુદ્દે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે. જે શાળા બેદરકારી દાખવશે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ નિરીક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકોને તથા પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી અને એનઓસી અંગેની તપાસ સીઆરસી અને બીઆરસીને કરવા જણાવાયું છે. સરકારે જારી કરેલા પરિપત્ર મુજબ ગ્રાઉન્ડ ફલોર પ્લસ એક માળની શાળાઓનાં ૧ હજાર સ્કવેર મીટરથી વધુ બાંધકામ હોય તે શાળાઓને ફાયર સેફટીની વ્યવસ્થા: કરીને ફાયર એનઓસી મેળવી લેવા આદેશ જિલ્લા કક્ષાએથી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારની સૂચના મુજબ જે શાળાઓ દ્વારા બાળકોને લઈ આવવા અને લઈ જવા માટે જે વાહનો છે તેનાં ફિટનેસની ચકાસણી પૂર્તતા કરવા જણાવાયું છે