ભુજથી ધર્મશાળાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બન્યો અકસ્માત ઝોન
copy image

ભુજથી ધર્મશાળાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 341 જાણે કે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ નાના-મોટા અકસ્માતની રોજની ત્રણથી ચાર ઘટના ઘટતી હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે. આ માર્ગ પર ખાસ કરીને ડમ્પરોની અવર-જવર વધારે પ્રમાણમાં રહે છે. ઓવરલોડ માલ વાહન કરવા સાથે ડમ્પરચાલકો નશામાં ધૂત થઈ વાહન ચલાવતા હોવાથી ગતિ પણ નિરંકુશ રહેતી હોઈ આ ડમ્પરો મોતના માંચડા સમા ભાસી રહ્યા છે. નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છતાં પોલીસ કે આરટીઓ તંત્રને આવા વાહનોની તપાસ કરવાનું આજ દિવસ સુધી સૂઝ્યું નથી. થોડા સમય પહેલાં ભીરંડિયારા ટોલનાકા પાસે અકસ્માતમાં બે નવયુવાનના મોત નીપજતાં અરેરાટી પ્રસરી હતી. પશુઓના આવા અકસ્માતોની ઘટનામાં મોત થવા રોજિંદા બન્યા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ હેઠળ આવતા ગામો આ કારણે ભય હેઠળ જીવી રહ્યા છે. અકસ્માતની આ ઘટનાઓ પર લગામ કસવા માટે તંત્ર સમયસર કડક પગલાં ભરે તેવી માંગ આ વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા ઉઠી હતી .