ગાંધીધામમાં વિદેશી શરાબના જથ્થા સાથે બે ઝડપાયા

copy image

copy image

ગાંધીધામના સુંદરપુરી ત્રણ રસ્તા નજીક ઓવરબ્રિજ પાસે કારમાંથી પોલીસે બે શખ્સોની અટક કરી તેમની પાસેથી રૂા. 30,000નો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. ગાંધીધામની બી-ડિવિઝન પોલીસ બપોરના અરસામાં પેટ્રોલિંગમાં હતી.તે દરમ્યાન એક કાર દારૂ ભરી બી.એસ.એન.એલ. એક્સચેન્જ તરફથી ઓસ્લો બાજુ આવી રહી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ઓવરબ્રિજ પાસે સુંદરપુરી ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી ટ્રાફિક આડસ મૂકી દીધી હતી, તેવામાં બાતમીવાળી અલ્ટો કાર આવતાં તેને રોકાવી ડેકીની તપાસ લેવાતાં તેમાંથી વિદેશી શરાબની બોટલો મળી આવી હતી. આ કારમાંથી શાંતિધામના બે શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. કારમાંથી કન્ટ્રી ઓફ ઓરિજીન સ્કોટલેન્ડ મેન્યુફેક્ચર્ડ એન્ડ બોટલ્ડ બાય વિલિયમ ગ્રાન્ટ એન્ડ સન્સ લખેલ ગ્લેન ફિનિચ સિંગલ માલ્ટ સ્કોચની 700 એમ.એલ.ની 9 બોટલ તથા બ્લેક લેબલ જોની વોકર બ્લેન્ડેડ સ્કોચ 750 એમ.એલ.ની 6 બોટલ એમ કુલ રૂા. 30,000નો વિદેશી દારૂ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ બંને શખ્સોને શાંતિધામ-3માં રહેનાર શખ્સએ ફોન કરી ગાંધીધામ પોસ્ટ ઓફિસ આગળ બોલાવ્યો હતો જ્યાં તેણે આ કાર આપી અને કાર રોટરી સર્કલ સુધી લઇ આવવા જણાવ્યું હતું અને પોતે બાઇક લઇને નીકળી ગયો હતો. આ બંને શખ્સો રોટરી સર્કલ પહોંચે તે પહેલાં તેમને પોલીસે પકડી પાડયા હતા. . વિદેશથી આવેલો દારૂ શખ્સ પાસે કેવી રીતે આવ્યો તે કોઇ પરમિટ શોપમાંથી લાવ્યો હતો કે કોઇ જહાજમાંથી લાવ્યો હતો તે સહિતના પ્રશ્નો અંગે પોલીસ નીતિમત્તાથી અને કડક રીતે તપાસ હાથ ધરે તો અનેકના પગ નીચે રેલો આવે તેમ હોવાનું સૂત્રો દ્વ્રારા જાણવા મળ્યું હતું.