રાપર તાલુકામાં વીજ ચેકિંગ ટીમો ત્રાટકી : લાખોની વીજચોરી પકડી પાડી
copy image

વાગડમાં ખુલ્લેઆમ થતી વીજચોરીને ડામવા વડોદરા અને રાજકોટની અલગ અલગ પંદર ટીમોએ રાપર અને ગામડાઓમાં ચેકિંગ હાથ ધરતાં લાખોની વીજચોરી ઝડપી પાડી હતી. રાપર, ત્રંબૌ, રામવાવ, ભરૂડીયામાં ચેકિંગ હાથ ધરતાં ડાયરેક્ટ ટ્રાન્સફોર્મરમાંથી કનેક્શન લઈ વીજચોરી કરતાં તત્વોને પકડી ઝડપી પાડ્યા હતા. સત્તાવાર રીતે બારથી તેર લાખની વીજચોરી પકડાઈ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ બિનસત્તાવાર આ આંકડો કરોડને પાર કરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તો ત્રંબૌમાં આ ચેકિંગ ટીમો પર હુમલો કરવાનો પ્રયાસ થયો હોવાનું પણ જાણવા મળ્યું હતું. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાત ઊર્જા વિકાસ નિગમની ટીમોએ ચેકિંગ અર્થે કચ્છમાં ધામા નાખ્યા છે અને પૂર્વ કચ્છના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં તપાસ હાથ ધરતાં વીજચોરી કરતાં તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. દરમ્યાન . સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ કેટલીક જગ્યાએ વીજબિલો બાકી હોય તેવા ગ્રાહકોના મીટરો ઉતારી લેવાયા બાદ આ ગ્રાહકો ઘરની અન્ય વ્યક્તિના નામે વીજ કનેકશન મેળવી વગર બિલે એકાદ વર્ષથી વીજ વપરાશ કરી રહ્યા છે, જેમાં અગાઉના જૂના મીટરો લગાવી વીજચોરી થઈ રહી છે, આ કૃત્યમાં કચેરીના કેટલાક પેંધા પડી ગયેલા કર્મચારીઓયે સામેલ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. બીજી તરફ અંજારમાં પણ ચેકિંગ દરમ્યાન ઘરેલુ વીજચોરી કરતાં તત્વોને પકડી એકાદ લાખની વીજચોરી ઝડપાઈ હોવાનું જાણવા મળ્યું હતું. નોંધનીય છે કે અત્યારે કાળઝાળ ગરમીમાં ઘણી બધી જગ્યાએ એસી જેવા ઉપકરણો ડાયરેક્ટ લંગરીયા નાખી ચલાવીને વીજ કંપનીને લાખો રૂપિયાનો ચૂનો લગાડવામાં આવી રહ્યો છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પણ જો ચેકિંગ હાથ ધરવામાં આવે તો હજી પણ વધુ વીજચોરી પકડાય તેમ છે. બહારની ટીમો દ્વારા જ પકડાતી આ વીજચોરી જોતાં સ્થાનિક તંત્ર શું કરે છે તેવો સવાલ જાણકારો ઉઠાવી રહ્યા છે.