વાઘોડિયા રોડની શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા સીનિયર સિટિઝનના બંધ મકાનનું તાળુ તોડીને તસ્કરો ૧.૦૭ લાખની મત્તા તસ્કરી ગયા હતા. આ અંગેની વિગત એવી છે કે, વાઘોડિયા રોડની શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા રાજેન્દ્રકુમાર નવલશંકર ખત્રી વિશ્વામિત્રી રોડ પર આવેલી પદમાટેક્ષ કંપનીમાં ઇલેકટ્રીશીયન તરીકે નોકરી કરતા હતા અને હાલમાં નિવૃત જીવન ગુજારે છે. ગત ૧લી તારીખે મકાનને તાળુ મારીને પુત્રીના ઘરે ગયા હતા અને રાત્રે ત્યાં જ રોકાઇ ગયા હતા. સવારે સોસાયટીમાં રહેતા રહીશનો ફોન આવ્યો હતો અને રાજેન્દ્રકુમારના ઘરમાં તસ્કરી થઇ હોવાનું જણાવ્યું હતું. જેથી રાજેન્દ્રકુમાર પાછા ઘરે આવ્યા હતા. ઘરે આવીને જોયુ તો મકાનના લોખંડની જાળીવાળા મુખ્ય દરવાજાને મારેલુ તાળુ તોડીને તસ્કરો તિજોરીમાંથી સોનાનુ મંગળસૂત્ર, બુટ્ટી, ચુડી, કાનની શેર, બંગડી, વીંટી અને ચાંદીની દીવી, પાટલા મળીને કુલ રૂપિયા ૧.૦૭ લાખની મત્તા તસ્કરી કરી ગયા હતા. જે અંગે પાણીગેટ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.