રૂ. ૧.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

મીઠાપુરમાં IPLનો સટ્ટો રમાડતા બે પકડાયા : દ્વારકા પાલિકા સભ્યનું નામ ખુલ્યુ
દ્વારકા : દ્વારકા તાલુકાના મીઠાપુરમાં દેવભૂમિ દ્વારકા એલસીબીએ પૂર્વ બાતમીના આધારે બે સ્થળે દરોડો પાડી બે ઇસમોને આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ઝડપી પાડયા છે. એલસીબીએ બંને સ્થળેથી ટીવી, મોબાઈલ, સેટ ટોપ બોક્સ, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બંને શખ્સોઓ પાસે સટ્ટો રમતા ઇસમોની શોધ શરૂ કરી છે. બંને સટોડીયાઓ ભાજપ સાશીત દ્વારકા નગરપાલિકાના સદસ્ય પાસે કપાત કરાવતા હોવાનું ખૂલ્યું છે.દ્વારકા તાલુકાના મીઠાપુરમાં એક ઈસમ દ્વારા હાલમાં ચાલી રહેલી આઈપીએલ ટી-૨૦ ક્રિકેટ મેચમાં સટ્ટો રમાડાતો હોવાની બાતમી પરથી દેવભૂમિ દ્વારકા એલસીબીના સ્ટાફે દરોડો પાડયો હતો. કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપીટલ્સની ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલા મેચનું મોબાઈલમાં જીવંત પ્રસારણ નિહાળી પોતાના બનાવવામાં આવેલા એક આઈડી પરથી કેટલાક ગ્રાહકો સાથે રનફેર, વિકેટના સોદા કરી રહેલા બિમલ નંદલાલ તન્ના નામના શખ્સને એલસીબીએ ઝડપી પાડયો હતો. આ ઈસમના કબજામાંથી રૂ. ૧,૧૬,૦૦૦ની રોકડ, એક ટીવી, સેટ ટોપ બોક્સ, મોબાઈલ મળી કુલ રૂ.૧,૩૨,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ત્યારબાદ એલસીબીએ મીઠાપુરમાં જ બીજો દરોડો પાડી આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતા પ્રવિણભા રાજપાલભા માણેક નામના ઈસમને ઝડપી પાડયો છે. તેના કબજામાંથી રૂ. ૩૩૦૦ રોકડા, છ મોબાઈલ, ટીવી, સેટ ટોપ બોક્સ, પાવર બેંક મળી રૂ. ૧૯,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને ઇસમોઓએ એલસીબીની પ્રાથમિક પુછપરછમાં પોતાની પાસેથી કપાત લેતા દ્વારકાના રહેવાસી અને દ્વારકા નગરપાલિકાના સદસ્ય પલ્લુ લોહાણાનું નામ આપ્યું છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *