આંકલાવ : પોલીસે ગઈકાલે રાત્રીના અરસામાં ખડોલ (હ)ગામની નહેર ઉપર વોચ ગોઠવીને ૨૭,૬૦૦ની કિંમતનો વિદેશી દારૂ ભરેલી કાર પકડી પાડી હતી જો કે કારચાલક પલાયન થઈ જવામાં સફળ રહ્યો હતો. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને કારના ચાલક અને માલિકને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ રાત્રીના અરસામાં આંકલાવ પોલીસને હકીકત મળી હતી કે, ખડોલ (હ)નહેર ઉપર વિદેશી દારૂની હેરાફેરી થવાની છે જેથી પોલીસ ટીમ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી. દરમ્યાન એક સફેદ કલરની એસેન્ટ કાર નંબર જીજે ૨૩ એ ૦૫૦૪ આવી ચઢતાં પોલીસે તેને અટકાવવા માટે બેટરીનો પ્રકાશ માર્યો હતો પરંતુ કારના ચાલકે ભગાડી મૂકતાં તેનો પીછો કરવામાં આવ્યો હતો જેથી કારના ચાલકે થોડે દૂર કારને ઊભી કરીને ખેતરાળ માર્ગે પલાયન થઈ ગયો હતો. પોલીસે કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની ૬૦ બોટલો કે જેની કિંમત ૨૭,૬૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે, તથા એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.