ગાંધીધામમાં બાળકી સાથે અડપલાં કરનારા શખ્સને ત્રણ વર્ષની કેદની સજા

copy image

copy image

ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં ચારેક વર્ષ અગાઉ એક બાળકી સાથે અડપલા કરનારા શખ્સને ન્યાયાલયએ તકસીરવાન ઠેરવી તેને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂા. 12,000નો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.  કાર્ગો વિસ્તારમાં રહેનાર ફરિયાદી ગત તા. 14-9-2020ના ચાવલા ચોક વિસ્તારમાં હતા, બાદમાં સાંજના અરસામાં   ફરિયાદી ઘરે પહોંચતાં  ઘરના સભ્યો હાજર હતા અને કાંઇ વાતચીત કરતા હતા, જેથી ફરિયાદીએ શું વાત કરો છો તેવું પૂછતાં પરિવારજનોએ જણાવ્યું હતું કે,  સાંજના  વિનોદ ઉર્ફે લાલો રામજી ગોહિલ નામના શખ્સે આપણી દીકરીને દુકાન પાછળ ઓરડીમાં  લઇ જઇ  અડપલા કરતો હતો, જેને ઘરના મહિલા સભ્ય જોઇ જતાં દીકરીને ઘરે લઇ આવ્યા હતા. ઘરમાં ગુમસૂમ બેઠેલી નાની બાળકીને ઇજાઓ પહોંચી હોવાથી તેને સારવાર અર્થે લઇ જવાઇ હતી. બનાવ અંગે બિ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ  નોંધાઇ  હતી,   જેમાં આરોપીની ધરપકડ  કરી તેના વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી તેના વિરુદ્ધ કોર્ટમાં  ચાર્જશીટ રજૂ  કરવામાં  આવી હતી.  ફરિયાદ પક્ષે કુલ્લ 8 સાહેદોને તપાસી 9 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી  વકીલની  દલીલોને માન્ય રાખી આરોપી વિનોદ ઉર્ફે લાલો ગોહિલને ન્યાયાધીશ બી.જી. ગોલાણીએ તકસીરવાન ઠેરવ્યા હતા અને આઇપીસીની 354/એ તથા પોકસોની કલમ 12 હેઠળ  આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂા. 12,000નો દંડ  ફટકાર્યો  હતો.  દંડની રકમ  ન ભરે તો વધુ એક માસની કેદનો ચુકાદો આપ્યો હતો  તેમજ ભોગ બનનારની  આર્થિક, સામાજિક  સ્થિતિએઁ જોઇ તેમને રૂા. 1 લાખ વળતર ચૂકવવાની ભલામણ સાથે જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીને ચુકાદાની  નકલ  મોકલી આપવા હૂકુમ  કરાયો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કુ. હિતેષીબેન પી. ગઢવી હાજર રહ્યા હતા.