વરસામેડીમાં મહિલા પાસેથી પર્સ ઝૂંટવી બે ઇસમ ફરાર
copy image

વરસામેડીમાં રાજવી રેસિડેન્સી અને નીલકંઠ રેસિડેન્સી વચ્ચે રોડ પર આગળ જઇ રહેલા મહિલા પાસેથી પર્સ ઝૂંટવી બે શખ્સ ફરાર થઇ ગયા હતા. રૂા. 22,000ની મતાની ચીલઝડપ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો. વરસામેડી શાંતિધામ ભક્તિનગર વિસ્તારમાં રહેનારા ફરિયાદી કુલદીપસિંહ ભવરસિંહ જ્હોન (રાજપૂત) તથા તેમના ભાભી આરતીબેન બાઇક ઉપર સવાર થઇ ગાંધીધામની શ્રીહરિ હોસ્પિટલ જઇ રહ્યાં હતાં. તા. 1-7ના આઠેક વાગ્યાના અરસામાં તેમનું બાઇક રાજવી અને નીલકંઠ રેસિડેન્સી વચ્ચે પહોંચ્યું હતું, ત્યારે પાછળથી એક બાઇક ઉપર બે શખ્સ આવ્યા હતા, તેમણે નજર ચૂકવીને મહિલા પાસેનું પર્સ ઝૂંટવી ગાંધીધામ બાજુ નાસી ગયા હતા. આ પર્સમાં રૂા. 18000ના ત્રણ મોબાઇલ તથા એ.ટી.એમ., ક્રેડીટ કાર્ડ અને રોકડ રૂા. 4000 એક કુલ રૂા. 22,000ની મતા હતી, જે આ શખ્સો લઇને ફરાર થઇ ગયા હતા. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.