ચકચારી ભચાઉ હત્યાના પ્રયાસ, શરાબના કેસમાં પોલીસ ઈસમોને લઈને રાજસ્થાન જશે

copy image

copy image

ભચાઉ નજીક પોલીસ ઉપર કાર ચડાવવા અને દારૂના પ્રકરણમાં પકડાયેલા બુટલેગર અને મહિલા પોલીસકર્મીને  દારૂ પ્રકરણમાં રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. દરમ્યાન હત્યાની કોશિશના કેસમાં બુટલેગરના જામીન નકારી દેવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા ભચાઉ નજીક બનેલા પ્રકરણમાં ફરજમોકૂફ કરાયેલા મહિલા પોલીસકર્મીને  જામીન અપાયા બાદ  પોલીસે નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહને દારૂના બનાવ સંબંધે કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં પોલીસ દ્વારા દશ મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા અને બંનેના સાત દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. બુટલેગર યુવરાજસિંહ વિરુદ્ધ 16થી વધુ દારૂના ગુના, શરીર સંબંધી ગુના, નીતા ચૌધરી કાયદાના જાણકાર, તેમને પાસેથી જપ્ત કરાયેલ દારૂની બોટલો ઉપર ફોરસેલ ઈન રાજસ્થાન ઓન્લી ફોર ગુજરાત લખેલું છે. બંને પાસે પરમિટ નથી,  જેથી બનાવના મૂળ સુધી જવા માટે રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. દારૂનો આ જથ્થો નીતા ચૌધરી આબુ રોડ બાજુથી લાવી હતી. આ બંને ત્યાંથી કઈ-કઈ હોટેલમાં ગયા હતા કે તેમની  સાથે અન્ય  કોઈ  હતું કે નહીં  આબુ રોડ બાજુ કઈ જગ્યાએથી દારૂ ખરીદવામાં આવ્યો હતો, તે સહિતની વિગતો માટે બંનેની હાજરી  જરૂરી  હોવાથી રિમાન્ડની  માંગ કરાઈ હતી. બંને પક્ષને સાંભળ્યા બાદ ન્યાયાધીશ ડી.એસ. ડાભીએ આ બંને આરોપીના તા. 6/7 ના બપોરે ચાર વાગ્યા સુધીના એટલે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેમાં સરકાર તરફે સરકારી વકીલ બિપિન વિઠ્ઠલાણીએ રજૂઆત કરી હતી. દરમ્યાન હત્યાની કોશિશના કેસમાં બુટલેગર એવા યુવરાજસિંહએ જામીન ઉપર મુક્ત થવા અરજી કરી હતી, જેમાં બંને પક્ષને સાંભળ્યા બાદ આ શખ્સની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. બનાવ અંગે પી.આઈ. એસ.ડી. સિસોદિયાએ જણાવ્યું હતું કે, જે વાહનમાંથી બંને ઝડપાયા હતા તે વાહનના માલિકને બોલાવી પૂછપરછ હાથ ધરવામાં આવશે. પકડાયેલા બંને આરોપીને સાથે રાખીને પોલીસ રાજસ્થાન જશે તેવું પણ જાણવા મળ્યું હતું. બંને આરોપીને કોર્ટમાં રજૂ કરાયા બાદ બહાર લાવતાં બંને ખુલ્લા થઈને પોલીસ વાહન બાજુ જતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો, જ્યારે અન્ય આરોપીઓને પોલીસ પકડી લઈ જઈને વાહનમાં બેસાડતી હોવાનું સૂત્રો દ્વારા  જણાવા મળ્યું હતું.