ચોપડવા પાસે  ઝેરી દવા ખાઈ લેતાં 20 ઘેટાંનાં અકાળે મોત

ભચાઉ તાલુકાના ચોપડવા નજીક ખેતરમાં ઝેરી દવા ખાઈ લેતાં વીસેક ઘેટાંનાં તરફડીને મોત થયાં હતાં. અંજાર તાલુકાના મીંદિયાળામાં રહેનાર માલધારી ગોકળ સાકરા રબારી અને તેમના પરિવારજનો પાસે 250 જેટલાં ઘેટાં  છે, જે જુદી-જુદી જગ્યાએ ઘેટાં ચરાવી આ પરિવાર પોતાનું ગુજરાન ચલાવે છે. ગત તા.6/7ના ગોકળભાઈ અને પરિવારજનો 250 ઘેટાંને લઈને વોંધથી મીંદિયાળા જવા નીકળ્યા હતા. દરમ્યાન ચોપડવા પાટિયા નજીક એક ખેતરમાં પહોંચતાં રાતના અરસામાં એક ઘેટું તરફડિયા મારીને મોતને ભેટયું હતું, બાદમાં વીસેક ઘેટાંનાં મોત થયાં હતાં. બનાવ અંગે પશુ તબીબને જાણ કરાતાં તે આવીને તપાસ કરતાં ઝેરી દવા ખાઈ લેવાથી વીસ ઘેટાંનાં મોત થયાં હોવાનું બહાર આવ્યું હતું.