કુકમા-કોટડા રોડ પર સૂતેશ્વર મંદિરના પૂજારી ઉપર હુમલા સાથે લૂંટ
copy image

ભુજ તાલુકાના કુકમા-કોટડા રોડ પર વડવા (હોથી) સીમમાં સૂતેશ્વર મહાદેવ મંદિરના પૂજારી (બાપુ)ને અડધી રાતના અરસામાં ત્રણ હરામખોર નિશાચરોએ ઉઠાડી લાકડીથી હુમલો કરી રોકડની લૂંટ ચલાવીને રૂમમાં પૂરીને નાસી છૂટયાનો ચકચારી બનાવ સામે આવ્યો હતો . આ અંગે પદ્ધર પોલીસ મથકે વડવાની સીમમાં સૂતેશ્વર મહાદેવ મંદિરની સેવા પૂજા કરતા રામેશ્વર પ્રસાદ ઉર્ફે રામેશ્વરપુરી બાપુ પ્રભુલાલજી ગાલવે નોંધાવેલી ફરિયાદ મુજબ તા.10/7ના મંદિરની બાજુના રૂમમાં તેઓ સુઈ ગયા બાદ અડધી રાત્રે 1:30 વાગ્યાના અરસામાં કોઈએ બુમ મારી કે બાપુ બહાર આવો એક – બે વખત બૂમ આવતાં ફરીયાદી લાઈટ ચાલુ કરી બહાર આવતાં મોઢા પર બુકાની બાંધી ત્રણ ઈસમો ઉભા હતા અને તેમના હાથમાં મંદિરમાં જ રાખેલી લાકડીઓ હતી. આ જોઈ ફરીયાદી ગભરાઈ જતાં દરવાજો બંધ કરવા જતાં એકે લાકડી દરવાજાની આડે રાખી દીધી હતી અને લાકડીથી હુમલો કરી હાથ-પીઠ અને માથાના ભાગે માર મારી પૂછયું કે મંદિરની દાનપેટી ક્યાં છે રૂમમાં હોવાનું કહેતાં રૂમમાંથી દાનપેટી તેમજ અન્ય સામાન ફંફોસી ઓશીકા નીચે રાખેલ પાકિટમાંના રૂ.3230 લૂંટીને ચાલ્યા ગયા હતા અને આરોપીઓ ફરીયાદીને રૂમમાં પૂરીને ચાલ્યા ગયા હતા. ફરીયાદીએ ફોન કરી ગામના માણસોને જાણ કરતાં ગ્રામજનો ઘટના સ્થળે આવી કડી ખોલી બાપુને બહાર કાઢતાં હુમલા અને લૂંટના બનાવ વિશે કહેતાં લોકોએ આસપાસ તપાસ કરી પણ કોઈ સગડ મળ્યા ન હતા. મંદિરના ગેટનું તાળું તુટેલું હતું રૂ.3230ની રોકડ અને દસ્તાવેજો સાથેની પાકીટ હરામખોરો લૂંટી ગયાની ફરીયાદ નોંધાવી હતી . પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આ રીતે હુમલા સાથે લૂંટના ગંભીર બનાવને લઈને આ વિસ્તારમાં ચકચાર પ્રસરી છે. આ બનાવના હરામખોર આરોપીને વહેલી તકે પકડી પાડવા લોકો દ્વારા માંગ કરી ઉઠી હતી.