નવા કનૈયાબે પાસેથી બે શખ્સો એક લાખના બે ચોરાઉ ટીવી સાથે ઝડપાયા

copy image

copy image

પદ્ધર પોલીસ દ્વારા રાતના અરસામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટેના પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે નવા કનૈયાબે ગામ પાસેની બાવળની ઝાડીઓમાં છુપાયેલા બે શખ્સોને ચોરાઉં રૂપિયા એક લાખની કિંમતના બે ટીવી સાથે બે શખ્સોને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ પદ્ધર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એચ. એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા તેમના વિસ્તારમાં રાત્રિના મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટેના પેટ્રોલિંગ દરમ્યાન પોલીસને એવી બાતમી મળી કે નવા કનૈયાબે ગામ નજીક આવેલ સહયોગ હોટલની પાછળ આવેલા તળાવની પાસેની બાવળની ઝાડીઓમાં અમુક શખ્સો છળકપટથી કે ચોરી કરેલા ટીવી સાથે ઊભા છે. આથી પોલીસ સ્ટાફના રામસંગજી સોઢા, મહેન્દ્રસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, શિવરાજસિંહ રાણા અને વિક્રમસિાંહ ગોહિલ તાત્કાલિક મળેલી બાતમીવાળા સ્થળ પર પહોંચી બાવળની ઝાડીઓમાં છુપાયેલા બે શખ્સોને ઝડપી  પાડયા હતા. પકડાયેલા બંને શખ્સો કનૈયાબે ગામના ઈશબશા ઈસ્માઈલશા શેખ (ઉ.વ.૩૯) અને ગફુરશા હનીફશા શેખ (ઉ.વ.૩૦) હોવાનું અને તેઓ પાસે રૂ.૧ લાખની કિંમતના બે ૪૯ ઈંચના ટીવી મળી આવતાં પોલીસે તે મુદ્દામાલ બીએનએસએસ કલમ ૧૦૬ મુજબ હસ્તગત  કરી બંને શખ્સોની બીએનએસએસ કલમ ૩૫(૧) મુજબ ધરપકડ  કરી હતી. પકડાયેલા બંને શખ્સો સામે પદ્વર પોલીસ સ્ટેશનમાં ૨૦૧૯માં ચોરીના ગુના તેમજ ૨૦૨૧ની સાલમાં ચોરી અને જુગારના ગુના નોંધાયેલા હોઈ જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.