ચોરીના ત્રણ ગુનાના ભેદ ઉકેલી પડતી ગાંધીધામ રેલવે પોલીસ
ગાંધીધામ ચાલુ ટ્રેનમાં તથા રેલવે મથકોએ ચોરીના બનાવો વધતાં રેલવે પોલીસે કમર કસી ચોરીના બનાવોને અંજામ આપતા બે શખ્સને પકડી પાડી ત્રણ ચોરીના ભેદ ઉકેલી લીધા હતા. ગાંધીધામની રેલવે પોલીસે કડી મહેસાણાના કિશન રામુ દંતાણી (દેવીપૂજક) તથા સુરેન્દ્રનગરના અર્જુનબભાઇ ઉર્ફે કિશન રાજુ ઉર્ફે ચીકા સોલંકી (દેવીપૂજક) નામના શખ્સોને પકડી પાડયા હતા. તેમની પાસેથી મોબાઇલ મળી આવ્યા હતા જેના આધાર-પુરાવા તે રજૂ ન કરી શકતાં પોલીસે કડક રીતે પૂછપરછ હાથ ધરી હતી જેમાં ત્રણ મોબાઇલની તેમણે ચોરી કરી હોવાની કેફિયત આપી હતી. ત્રણ ચોરીના ભેદ ઉકેલી પોલીસે આ શખ્સો પાસેથી ત્રણ મોબાઇલ જપ્ત કર્યા હતા. તેમની સાથે અન્ય કોઇ છે કે કેમ તેની આગળની તપાસ રેલવે પોલીસે હાથ ધરી હતી. આ કામગીરીમાં પી.એસ.આઇ. જે. બી. કુરેશી અને તેમની ટીમ જોડાઇ હતી.