ગાંધીધામમાં પથ્થરના ઘા ઝીંકી યુવાનની હત્યા નિપજાવી
ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં પાણીના ટાંકા નજીક સાંજના અરસામાં કોઇ કારણોસર માથાકૂટ થતાં આરોપી એ સુરેશ ચંદ્રવંશી (ઉ.વ. 35) નામના યુવાનના માથામાં પથ્થર ઝીંકી તેની હત્યા નીપજવી હતી. હત્યાના બનાવથી પોલીસ માં દોડધામ મચી હતી. ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં પાણીના ટાંકા નજીક સાંજના અરસામાં છ વાગ્યાના આસ પાસ હત્યાનો આ બનાવ બન્યો હતો. આ વિસ્તારમાં રહેનાર શ્રમિક એવો સુરેશ ચંદ્રવંશી નામનો યુવાન પાણીના ટાંકા બાજુ હતો. તે દરમ્યાન આરોપી સાથે કોઇ કારણોસર માથાકૂટ થઇ હતી. તેવામાં ઉશ્કેરાયેલા આરોપીએ આ યુવાનના માથામાં પથ્થર વડે હુમલો કર્યો હતો. જેમાં યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલા આ શ્રમિકને લોહી લુહાળ હાલતમાં સારવાર અર્થે આદિપુરની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. સાંજના અરસામાં ખૂબ ટ્રાફિકવાળા વિસ્તાર માં મારામારીનો બનાવ બનતાં નાસભાગ થઇ પડી હતી. ઘવાયેલા યુવાનને વધુ સારવાર મળે તે પહેલાં તેણે છેલ્લાશ્વાસ લેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસને બનાવની જાણ થતાં પોલીસે દોડધામ આદરી હતી. પોલીસે એમ.એલ.સી. નોંધી ફરિયાદ નોંધવાની તપાસ સાથે સી.સી.ટીવીના ફૂટેજ તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.