ગળપાદરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનારા શખ્સને 10 વર્ષની કેદ
copy image

ગાંધીધામ તાલુકાના ગળપાદરમાં એક કિશોરીને લગ્નની લાલચ આપી, લલચાવી, ફોસલાવી, તેનું અપહરણ કરી બળાત્કારના પ્રકરણમાં આરોપીને અહીંની કોર્ટએ 10 વર્ષની સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. ગળપાદરમાં રહેનાર ફરિયાદી ગત તા. 15/5/ 2019ના પોતાના ઘરે સૂઇ ગયા હતા. તેમની દીકરી પણ ત્યારે સૂઇ ગયા બાદ બીજા દિવસે જાગતાં દીકરી મળી આવી નહોતી. ત્યારે તેમણે તપાસ કરતાં આ કિશોરીને અગાઉ આરોપી ભરત પ્રવીણ ગઢવી સાથે જોવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન આરોપીના ઘરે તપાસ કરતાં આરોપી પણ હાજર મળ્યો ન હતો. બાદમાં જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી અને પોલીસે આરોપીને પકડી પાડી ભોગ બનનાર કિશોરીને મુક્ત કરાવી હતી. લગ્નની લાલચ આપી, કિશોરીને લલચાવી-ફોસલાવી તેનું અપકરણ કરી તેની સાથે શરીર સંબંધ બાંધનારા આ શખ્સ વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી પોલીસે કોર્ટમાં તેના વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી, જ્યાં સરકાર પક્ષ તરફથી 13 સાહેદ અને 29 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કેસ દરમ્યાન આરોપી જેલમાં રહ્યો હતો. કેસમાં તબીબી સહિતના પુરાવાએ બનાવને સમર્થન આપ્યું હતું તેમજ સરકારી વકીલે કેસમાં ધારદાર અને તર્કબદ્ધ રીતે દલીલો કરી હતી. અધિક સેશન્સ જજ બી. જી. ગોલાણીએ બંને પક્ષને સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને તેને દસ વર્ષની સખત કેદની સજા તથા રૂા. 23,000નો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ન ભરે તો આઠ માસની સાદી કેદનો ચુકાદો આપ્યો હતો. દંડની રકમમાંથી રૂા. 20,000 ભોગ બનનારને આપવા તથા ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 357 (એ) હેઠળ ભોગ બનનારને રૂા. 50,000 ચૂકવવાની ભલામણ સાથે લીગલ સર્વિસ ઓથોરિટીને ચુકાદો મોકલવા હૂકુમ કરાયો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કુ. હિતેષી પી. ગઢવી હાજર રહ્યા હતા.