અંજારના મિંદિયાળામાં ઓવરલોડ ખનિજ ભરેલી ટ્રક ઝડપાઇ

અંજાર વિસ્તારમાં ખનિજ ચોરી તેમજ ઓવરલોડિંગ બાબતની ફરિયાદોને ધ્યાને લઇ અંજારના મદદનિશ કલેક્ટર દ્વાર અચાનક રાત્રે ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં મિંદિયાળા પાસે ઓવરલોડ ખનિજ ભરેલી ટ્રક ઝડપી લઇ રૂ.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અંજાર પોલીસ મથકે સોંપાયો હતો. પ્રાંત દ્વારા કરાયેલી આ કામગીરીથી ફફડાટ મચી જવા પામ્યો હતો.  પ્રાપ્ત માહિતી મુજબ, અંજાર મદદનિશ કલેક્ટર આઈએએસ સુનિલ દ્વારા રાત્રીના સમયે ફેરણી તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસ દરમિયાન મીંદીયાળા ગામથી અંજાર મુંદ્રા નેશનલ હાઈવે તરફ ભારે વાહનોની તપાસ કરવામાં આવી હતી. જે દરમ્યાન અંજાર-મુંદ્રા નેશનલ હાઈવે તરફ આવી રહેલી ગાડી ઓવર લોડેડ જણાતા ગાડીની અટકાયત કરવામાં આવી હતી. જે ગાડીની તપાસણી કરતા વે-બ્રીજના પાસમાં દર્શાવેલ જથ્થા કરતા 23,520 વધારે જથ્થો ગાડીમાંથી મળ્યો હતો. જે ગાડી તથા ખનીજ સહિત કુલ આશરે રૂ. 25,00,000 નો મુદ્દામાલ અંજાર પોલીસ મથકને સોંપાયો હતો. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવાના આદેશ મદદનીશ ભુસ્તરશાસ્ત્રી, અંજાર તથા એ.આર.ટી.ઓ. કચેરી, અંજારને આપવામાં આવ્યો હતો.