અરવલ્લીના શખ્સને પોક્સો કેસમાં અંતિમ શ્વાસ સુધી કેદ
copy image

કચ્છમાં સગીરાના અપહરણ અને તેની સાથે દુષ્કર્મના કેસ ચિંતાજનક રીતે વધ્યા છે. ત્યારે આ વચ્ચે ન્યાયિક પ્રક્રિયાના અંતે આવા નરાધમો વિરુદ્ધ ધાક બેસાડતા અને ભોગગ્રસ્ત પરિવારને રાહત પહોંચાડતા ચુકાદા પણ આવ્યા છે, જેના થોડા દિવસો દરમ્યાન એક કરતાં વધુ દાખલા છે. ત્યારે વધુ એક આવો જ ચુકાદો સામે આવ્યો છે, જેમાં પરિણીત આરોપી ભાવેશ બાબુભાઈ ખાંટ (રહે. મૂળ કરણપુર, જિ. અરવલ્લી)એ આશરો આપનારની જ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કર્યાના કેસમાં આ નરાધમને અંતિમ શ્વાસ સુધીની કેદ અને રૂા. પાંચ લાખનો દંડ ફટકારી પોક્સો કોર્ટે કાયદાના નહોર વધુ તીક્ષ્ણ કર્યા છે. ગત વર્ષે ત્રણ એપ્રિલના પદ્ધર પોલીસ મથકે આરોપી ભાવેશ ખાંટ વિરુદ્ધ સગીરાના વાલીએ નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપી ફરિયાદીનાં વતન બાજુનો હોઈ ફરિયાદીનાં ઘરે તેની પત્ની સાથે આવ્યો હતો. પોતાને અહીં કામ મળ્યું છે અને મકાન નથી, આથી મકાન ન મળે ત્યાં સુધી રોકાવા આશ્રય માગ્યો હતો. થોડા દિવસ બાદ આરોપીની પત્ની વતન જતી રહી હતી અને આરોપી એકલો ફરિયાદીનાં ઘરે રોકાયો હતો. સગીરાના વાલીઓ સવાર પડયે પોતાના કામ-ધંધે નીકળી જતા. આરોપીએ વાલીઓની ગેરહાજરીમાં 13 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ભુજની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે 17 દસ્તાવેજી પુરાવા તથા નવ સાક્ષીને તપાસી જજ વી.એ. બુદ્ધે આરોપી ભાવેશ ખાંટને તકસીરવાન ઠેરવી કલમ 363 હેઠળ ત્રણ વર્ષની સજા અને 10 હજારનો દંડ તથા કલમ 366મા 10 વર્ષની સજા અને એક લાખનો દંડ તેમજ કલમ 376ના ગુનામાં અંતિમ શ્વાસ સુધી કેદની સજા અને રૂા. બે લાખનો દંડ કર્યો છે. આમ આ હુકમ મુજબ કુલ રૂા. પાંચ લાખના દંડમાંથી રૂા. ચાર લાખ ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે. આ કામે ફરિયાદી પક્ષે પોક્સો એક્ટના ખાસ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી સાક્ષી તપાસી અને દલીલો કરી હતી.