ભુજમાં વ્યાજખોરી સંબંધે ચાર શખ્સો સામે ફરિયાદ
copy image

ભુજમાં ચાની લારીથી ગુજરાન ચલાવતી શ્રમજીવી મહિલાએ નવ હજાર વ્યાજથી લીધા બાદ ચૂકવી આપ્યા, પરંતુ સિક્યુરિટી પેટે આપેલા બે કોરા ચેક આરોપીઓએ પરત ન આપીને એક ચેક રૂા. 2,70,000 અને બીજો ચેક રૂા. 1,50,000નો બેંકમાં નાખી બાઉન્સ કરી નાખતાં વ્યાજખોરી સંબંધે ચાર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી . આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે ગોકુલધામ-2 માધાપર રહેતા અને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ સામે ચાની હોટેલ ચલાવતા વીણાબેન ઉમરગર ગોસ્વામીએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમણે બારેક માસ પૂર્વે ધંધામાં પૈસાની જરૂર પડતાં ઓળખિતા જનક મહારાજ રાજગોરને કહેતાં તેમણે વ્યાજનો ધંધો કરતા રાજદીપસિંહ જાડેજા પાસેથી રૂા. નવ હજાર 10 ટકાના વ્યાજે લેવડાવી દીધા હતા. સિક્યુરિટી પેટે બે કોરા ચેક લીધા હતા. ફરિયાદીએ નાણાં ભરી દીધા બાદ ચેક પરત આપવા અનેકવાર કહેવા છતાં મળ્યા ન હતા. જનક મહારાજે સાતેક મહિના પૂર્વે તેમના પુત્ર અર્જુનનાં નામે રૂા. 2,70,000નો ચેક બેંકમાં ભરી બાઉન્સ કરાવી ફરિયાદી ઉપર કોર્ટ કેસ દાખલ કરાવ્યો હતો. આ બાદ પુનિત કાંતિલાલ રાજગોરે બીજો ચેક રૂા. 1,50,000નો નાખ્યાનો ત્યારે ફરિયાદીને મેસેજ આવ્યો હતો. આમ, ચારે વિરુદ્ધ નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.