ગાંધીધામમાં 21.49 લાખની છેતરપિંડી કરનારા સામે ફરિયાદ
copy image

ગાંધીધામના ઝંડા ચોક તથા વોર્ડ 12-બીમાં આવેલી કપડાંની બે દુકાનમાંથી રૂા. 21,49,294ની ઉચાપત કરતા તત્કાલીન મેનેજર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના ડી.બી.ઝેડ. વિસ્તારમાં યુ.એસ. પોલો તથા વોર્ડ 12-બીમાં અજંતા કોમર્શિયલ સેન્ટરમાં બીઇંગ હ્યુમન નામની દુકાનોમાં વર્ષ 2022માં મેનેજર તરીકે પવનકુમાર બંગાલી પ્રસાદ નામનો શખ્સ કામ કરતો હતો. આ શખ્સે બ્રાન્ડેડ કપડાં વેચી તેની આવેલી રકમ પોતે રાખી દીધી હતી અને ફરિયાદી સમર્થ કિશોર મહેતાને આપી નહોતી. બાદમાં ઓડિટ કરાતાં વેચેલા માલ તથા સ્ટોકમાં પણ ઘાલમેલ મળી આવી હતી. આ શખ્સે જે તે વખતે પોતે રકમની ઉચાપત કરી હોવાની કબૂલાત આપી હતી. બીજીવાર ઓડિટ કરાતાં વધુ રકમની ઉચાપત થઇ હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદીએ જે તે સમયે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી પરંતુ કોઇ કાર્યવાહી થઇ નહોતી. ભોગ બનનારે કોર્ટમાં કેસ કરતાં કોર્ટે આદેશ કરતાં રૂા. 21,49,294ની ફરિયાદ પોલીસે નોંધી હતી.