આદિપુરમાં મકાનમાંથી એસએમસીની ટુકડીએ 89 હજારનો શરાબ પકડી પાડ્યો

copy image

copy image

આદિપુરમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટુકડીએ આદિપુરમાં મકાનમાંથી દરોડો પાડીને 89 હજારની કિંમતનો અંગ્રેજી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એસ.એમ.સી. પોલીસે એસ.આર.સી. લિ. 6/145, જનતા  હાઉસમાં  આવેલા મકાનમાં દરોડો પાડયો હતો. આ સ્થળે તપાસ દરમ્યાન  પોલીસે  દારૂની 103 બોટલ અંકે કરી હતી. પકડાયેલા માલની કિંમત રૂા. 89,685 આંકવામાં આવી હતી. આ પ્રકરણમાં આરોપી પૃથ્વી ઉર્ફે લાલો ભરતભાઈ ઠક્કરનું  નામ બાહર આવ્યું હતું. પોલીસે   આરોપી પૃથ્વી અને દારૂનો જથ્થો આપનારાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક પોલીસે અંધારામાં રાખીને રાજ્યસ્તરની ટુકડીની કાર્યવાહીના પગલે આગામી દિવસોમાં કોની વિકેટ પડશે, તેની ગણતરી માંડતી ચર્ચા થઈ રહી છે પોલીસ બેડામાં શરૂ હતી. આ કાર્યવાહી બાદ આદિપુર પોલીસે પણ દારૂનો દરોડો પાડયો હતો. આદિપુરના 6/એ વિસ્તારમાં ખંડેર મકાનમાંથી બિયરની સાત પેટી, દારૂની છ પેટી પકડી પાડી હતી. પકડાયેલા જથ્થાની કિંમત રૂા. 55 હજાર આંકવામાં આવી હતી. આ ગુનામાં સામેલ આરોપી મનીષ વિનોદભાઈ મૂલચંદાણી પોલીસના હાથમાં આવ્યો ન  હોવાના અહેવાલ સાંપડયા હતા . આ ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં, તે દિશામાં તપાસ હાથ ધરાઇ હતી.