માંડવીમાં બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી 2.26 લાખનો હાથ માર્યો
copy image

માંડવીની સુંદરવન-2 સોસાયટીમાં બંધ ઘરને નિશાન બનાવી 2.26 લાખના સોનાં-ચાંદીના દાગીના, રોકડ સહિતની ચોરી થતાં પોલીસ દોડધામમાં મુકાઈ હતી. તા. 23/7ના મકાનમાલિક દિનેશભાઈ હીરજી વોરા બહારગામ ગયા અને તા. 26/7ના સાંજના અરસામાં એમના ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો નજરે ચડતાં તપાસ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી. ગણતરનીની મિનિટોમાં પોલીસે બનાવના સ્થળે આવી તપાસનો દોર શરૂ કર્યો હતો. પોલીસે ડોગ સ્કવોડ બોલાવી અને 24 કલાકમાં 6થી 7 વખત ટીમ સાથે આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બનાવની વધુ તપાસ કરતાં મકાનનો મુખ્ય દરવાજો તોડી ઇસમો અંદર પ્રવેશી નીચેના ભાગે આવેલા બેડરૂમમાં રહેલ લાકડાના કબાટોને તોડી તેમાંથી તિજોરી વગેરેને તોડી તમામ વસ્તુઓ રફે દફે કરી નાખી હતી. અજાણ્યા ચોર ઈસમે રૂા. 26,400 રોકડા, 2.6 કિ.ગ્રા. ચાંદીની વસ્તુઓ જેની કિં. રૂા. 80,000 તથા બે સોનાંની ચેઈન અને લોકેટ કિં. રૂા. 1,20,000 એમ કુલે રૂા. 2,26,400ની ચોરી કર્યાની ફરિયાદ દિનેશભાઈએ નોંધાવી હતી. આ લખાય છે ત્યારે આ જ સોસાયટીમાં આવેલા અન્ય એક કૈલાસભાઈના બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું છે. પોલીસને માહિતી મળતાં પીઆઈ સીમ્પી અને તેમની આખી ટીમે બનાવના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.