ભારાસરમાં બંધ ઘરના તાળાં તોડીને ૩૦ તોલા સોનું અને રોકડની ચોરી
ભુજ તાલુકાના ભારાસર વૃદ્ધ દંપતિ પોતાના ગામે ફરવા માટે આવ્યું હતું. આ દરમ્યાન બંન્ને જણા ઘર બંધ કરીને દવા લેવા માટે ભુજની હોસ્પિટલમાં ગયા હતા,ત્યારે પાછળથી ત્રાટકેલા તસ્કરોએ બંધ ઘરના તાળાં તોડીને ૩૦ તોલા સોનું તેમજ રૂ.૮૮ હજારની રોકડની તસ્કરી કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ સિત્તેર વર્ષિય વીરબાળાબેન હિરાણી તથા તેમના પતિ કલ્યાણભાઈ હાલમાં પોતાના ગામ ભારાસર ખાતે ફરવા માટે આવ્યા હતા. તેમના બંન્ને પુત્રો લંડનના હેરોમાં સ્થાઈ થયા છે. કલ્યાણભાઈને કમરના દુખાવો હોવાથી તેઓ ભુજની હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું. શનિવારના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મુખ્ય દરવાજાને તાળું મારીને બંન્ને જણા હોસ્પિટલે ગયા હતા અને રાતના હોસ્પિટલમાં જ રોકાઈ ગયા હતા. હોસ્પિટલેથી રવિવારના સવારે ૯ વાગ્યાના અરસામાં ઘરે પરત ફર્યા હતા ત્યારે તાળાં તુટેલા હતા. બેડરૂમના કબાટના દરવાજા ખુલેલા પડ્યા હતા. ઘરમાં જઈને તપાસ કરતાં જણાયું કે, તસ્કરો કબાટમાંથી રોકડા રૂ.૮૮ હજાર. ૩૦ તોલા સોનાના વિવિધ દાગીના મળીને કુલ રૂ.૯.૮૮ લાખની મતા ચોરી ગયા હતા.