૧૩ માર્ચ : વર્લ્ડ સ્લીપ ડે’ – આ વર્ષની થીમ છે ‘સારી ઊંઘ, સારું જીવન’
copy image

આપણે જોઈએ છીએ કે, આજકાલ નાની ઉંમરે લોકોને ડાયાબિટીસ, બી.પી. હાર્ટ એટેક અને ફેફસાંના રોગોનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે. નાની ઉંમરે મેદસ્વિતાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે, તેના માટે શું આપણી બદલાતી જીવનશૈલી જવાબદાર છે ?
પ્રતિ વર્ષ ૧૩ માર્ચના રોજ ‘વર્લ્ડ સ્લીપ ડે’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘સારી ઊંઘ, સારું જીવન’ છે. ‘વર્લ્ડ સ્લીપ ડે’ ની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લોકોને તંદુરસ્ત ઊંઘ વિશે જાગૃત કરવા અને સ્વસ્થ જીવન માટે પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘના મહત્વને સમજાવવાનો છે.
નિષ્ણાંતો જણાવે છે કે, કુદરતે માનવ શરીરમાં ચોક્કસ પ્રકારની બાયોલોજીકલ ક્લોક મુકેલી છે. સવારથી રાત્રિ દરમ્યાન આ ક્લોકના કારણે જુદા-જુદા હોર્મોન્સ ઉત્પન્ન થતા હોય છે. જેમાં નિદ્રા એટલે કે ઊંઘ પણ ચોક્કસ સમયે કરવી જરૂરી છે. જો યોગ્ય સમયે નિંદ્રા ન કરવામાં આવે તો આ ક્લોક અને હોર્મોન્સ ડિસ્ટર્બ થાય છે, જેના પરિણામે શારીરિક અને માનસિક દુરોગામી પરિણામો જોવા મળે છે.
નિષ્ણાંતો ક્વોલિટી ઓફ સ્લીપ અને ડ્યુરેશન પર ખાસ ભાર મુકતાં જણાવે છે કે, ઊંઘ પૂરતી અને સમયસર હોવી જરૂરી છે. જો યોગ્ય સમયે સૂવાનું અને જાગવાનું પ્રમાણ ન જળવાય તો તેની દુરોગામી અસર તરીકે શુગર અને બી.પી. ની સમસ્યા ઉદ્ભવી શકે છે. લાંબા ગાળે હૃદયરોગનું જોખમ પણ રહે છે. માટે પૂરતી ઊંઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે.
આજકાલ મોબાઈલ અને સોશિયલ મીડિયાના કારણે નીંદર કરવાનો સમય બદલાઇ ગયો છે. મોડે સુધી જાગવાથી સ્લીપ હોર્મોન મેલાટોનિન ડિસ્ટર્બ થતાં ‘‘ક્વોલિટી ઓફ સ્લીપ’’ના અભાવે સવારે તાજગીના બદલે સ્ટ્રેસ, ચીડિયાપણું, થાક લાગવોની ફરિયાદો વધી રહી છે. સ્લીપ ડિસઓર્ડરના કારણે નસકોરા બોલવા, ઓબેસિટી એટલે કે મેદસ્વીતાનું પ્રમાણ વધવું, વગેરે જેવી બાબતો વધી રહી છે. ખાસ કરીને, બાળકોમાં અનિંદ્રાના કારણે તેમની ફૂડ હેબિટ્સ અને બીહેવિયર પર ખુબ વિપરિત અસર જોવા મળી રહી છે.
પૂરતી ઊંઘ માટે પ્રોટીન, કાર્બ્સ સહીત સંતુલિત આહાર લેવો પણ ખુબ જરૂરી છે. યોગ્ય અને સમયસર નીંદર માટે રાત્રે સુતા પહેલા દૂધ પીવાથી સારી નીંદર આવે છે. જો ઘી, મિસરી, ઈલાયચી, જાયફળ, ખસખસ, કેસર યુક્ત દૂધ પીવાથી ઘેરી નીંદર સાથે પાચનની તકલીફ, ગેસ, એ.સી.ડી.ટી. પણ દૂર થાય છે.
યોગ્ય નિંદ્રા માટે શાંત, પ્રફુલ્લિત અને અંધારૂં હોવું જરૂરી છે. આ સમયે મેલાટોનિન હોર્મોન્સ ઉત્પન્ન થવાથી સારી નીંદર આવે છે. અનિંદ્રાના કારણે કેટલાક લોકો દવા લેતા હોય છે. જેની સાઈડ ઇફેક્ટ્સ આવે છે. અનિંદ્રાના કારણે બાળકો અને કેટલાક મોટી ઉંમરના લોકો ઊંઘમાં બોલવું, ચાલવું કે રડવાનું પણ જોવા મળે છે.
મનોચિકત્સોના મતે , કેટલાક માનસિક રોગ માટે અપૂરતી ઊંઘ જવાબદાર છે. જયારે કેટલાક રોગના પરિણામે અનિંદ્રાનો રોગ જોવા મળે છે. ખાસ કરીને ડિપ્રેશન અને એન્જાઇટી જેવા રોગમાં ઊંઘ પર અસર થતી જોવા મળે છે. બાયપોલાર ડિસઓર્ડરના પરિણામે ઊંઘ ના આવે પરિણામે દર્દીને ડિપ્રેશન કે ઉન્માદ વધી જાય છે. ૬૦ થી ૭૦ ટકા કેસમાં માનસિક દર્દીઓમાં ઊંઘની તકલીફ જવાબદાર હોય છે., અનિંદ્રા રોગ પણ છે અને માનસિક રોગના લક્ષણ પણ છે.
સારા સ્વાસ્થ્ય માટે યોગ્ય આહાર, વિહાર અને નિંદર પણ એટલી જ જરૂરી છે, ત્યારે સ્વાસ્થ્યની રખેવાળી સમયસર નિંદર સાથે કરી તાજગીસભર ખુશનુમા જીવન તરફ એક કદમ આગળ વધારીએ ત્યારે જ ‘વિશ્વ નિંદ્રા દિવસ’ ની સાચી સફળતા ગણાશે.
કેટલા કલાક ઊંઘ જરૂરી છે??
– ન્યુ બોર્ન બેબીથી થી ૧૨ માસના બાળકોમાં ૧૪ થી ૧૬ કલાક
– ૧ થી ૨ વર્ષના બાળકોમાં ૧૨ થી ૧૪ કલાક
– ૩ થી ૫ વર્ષના બાળકોમાં ૧૧ થી ૧૪ કલાક
– ૬ થી ૧૨ વર્ષના કિશોરમાં ૧૦ થી ૧૩ કલાક
– તરુણ અને યુવાનોમાં ૭ થી ૯ કલાક
– મોટી ઉમરે ૭ થી ૮ કલાક
– વયોવૃદ્ધને સ્લીપિંગ પીલ્સ ન લેવી હિતાવહ.. પરંતુ કુદરતી ઊંઘ જરૂરી