ભુજના શખ્સ સાથે 2.51 લાખની ઓનલાઇન ઠગાઇ : એક લાખ પરત અપાવાયા

copy image

ભુજના શખ્સ સાથે 2.51 લાખની ઓનલાઇન છેતરપિંડી થતાં સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)એ ગુમાવેલા આ નાણાંમાંથી એક લાખ પરત અપાવ્યા હતા. ભુજના અરજદાર લાલબિહારી રામે ફ્લિપકાર્ટ પરથી ઓનલાઇન ખરીદી કરતાં આ સામાન ખરાબ નીકળતાં ગૂગલ પર સર્ચ કરી કસ્ટમર કેરના નંબર મેળવી વાતચીત કરતાં સામાવાળાએ એટીએમ કાર્ડ નંબર તથા પીનકોડ મેળવી ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેકશન કરી કુલ્લે રૂા. 2.51 લાખ ઉપાડી લીધા હતા. આથી અરજદારે સાયબર સેલનો સંપર્ક કરતાં સેલે મદદરૂપ થઇ ગુમાવેલા નાણાંમાંથી રૂા. એક લાખ અરજદારનાં ખાતાંમાં પરત અપાવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, કોઇ પણ સંબંધિત કંપની, પેઢી કે સર્વિસના સંપર્ક નંબર મેળવવા માટે અનેક લોકો ગૂગલ પર સર્ચ કરી નંબર મેળવે છે, જેને લઇને અનેક લોકો આ રીતે ઠગાઇના ભોગ બન્યાનું સામે આવ્યું છે. ત્યારે આ રીતે નંબર મેળવવામાં ખાસ સતર્ક રહેવું અત્યંત જરૂરી છે.