મુંદરાના દરિયામાં અજાણ્યા શખ્સની લાશ મળી
copy image

મુંદરા બંદરની જેટી પાસે દરિયામાંથી અજાણ્યા 30થી 35 વર્ષના પુરુષની લાશ મળતાં ઓળખ માટે પોલીસ દોડધામમાં મુકાઇ હતી. મુંદરા બંદરની એસ.પી.એમ. જેટી પાસે દરિયામાંથી રાતના અરસામાં એક અજાણ્યા પુરુષની કોહવાયેલી લાશ મળી હતી. આ અંગે મુંદરા મરીન પોલીસ મથકના પીએસઆઇ નિર્મલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મરીન કન્ટ્રોલે પોલીસને જાણ કરી હતી કે, દરિયામાં વીસેક કિ.મી. અંદર લાશ તરી રહી છે. આથી પોલીસે લાશ બહાર કાઢતાં અંદાજે 30થી 35 વર્ષના પુરુષની લાશ છે. મોઢું દરિયાઇ પાણીના લીધે ફુગાઇ ગયું છે. શરીર પરથી ચામડી પણ ઊતરી ગઇ છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે લાશને જામનગર રવાના કરાઇ છે. હાલના તબક્કે આ લાશ કોઇ ક્રૂ મેમ્બર અથવા માછીમારની હોવાની સંભાવના જોવાઇ રહી છે.