છાડવારા માર્ગ નજીક કારમાંથી રૂા. 1.30 લાખનો અંગ્રેજી શરાબ ઝડપાયો
copy image

ભચાઉ તાલુકાના છાડવારા ઓવરબ્રિજ નજીક એક કારમાંથી પોલીસે રૂા. 1,30,800નો અંગ્રેજી શરાબને જથ્થો જપ્ત કર્યો હતો, પરંતુ મોડી રાત્રે થયેલ આ કાર્યવાહી દરમ્યાન આરોપી પોલીસના હાથમાંથી સરકી ગયો હતો. ભચાઉની સ્થાનિક પોલીસ ગત મોડી રાતના અરસામાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ગાંધીધામ બાજુથી સામખિયાળી બાજુ જતી કાળારંગની બ્રેઝા કારમાં દારૂ હોવાની પૂર્વ બાતમી આ ટીમને મળી હતી. મોટાભાગે જિલ્લા બહારથી દારૂ કચ્છમાં ઘુસાડાય છે, જ્યારે આ વાહનમાં ગાંધીધામથી સામખિયાળી બાજુ દારૂ જઇ રહ્યો હતો. પોલીસે છાડવારા ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી દીધી હતી, તેવામાં બાતમીવાળી કાર આવતાં તેને રોકવા જતાં કારના ચાલકે વાહન ઊભું ન રાખી આગળ હંકારી દીધું હતું. પોલીસે તેનો પીછો કરતાં આ શખ્સે આગળ જઇ કાર ઊભી રાખી ધોરીમાર્ગ પરથી નાસી ગયો હતો. કારમાં આગળ નંબરપ્લેટ નહોતી. પાછળ જી.જે.-03-કે.પી.-5246વાળી નંબરપ્લેટ લાગેલી હતી. વાહનમાં તપાસ કરાતાં દારૂનો જથ્થો નીકળી પડયો હતો. આ કારમાંથી બ્લૂ ક્રિયેશર 750 એમએલની 72, મેકડોવેલ્સ નંબર-1ની 96, મેકડોવેલ્સના 180 એમએલના 432 ક્વાર્ટરિયા, ગોડફાધરના 288 નંગ ટીન એમ કુલ રૂા. 1,30,800નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ફોર સેલ ઇન ઓન્લી ગોવા, રાજસ્થાન અને ચંદીગઢ લખેલો આ દારૂ ગાંધીધામથી કોની પાસેથી લેવામાં આવ્યો હતો જિલ્લા બહાર કોણ લઇ જઇ રહ્યું હતું. તે કંઇ જ બહાર આવ્યું નથી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.