કોટડાની ત્રણ વાડીમાં લગાડેલી સોલાર સિસ્ટમમાંથી વાયરની તસ્કરી
copy image

નખત્રાણા તાલુકાના કોટડા (જ.)ની સીમના વાડી વિસ્તારની ત્રણ વાડીમાં લગાડેલા સોલાર સિસ્ટમમાંથી વાયરની ચોરી થઈ હતી , જ્યારે લખપત તાલુકાના મોરગરની સીમમાં પવનચક્કીમાં 25 હજારની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી. થોડા દિવસોમાં નખત્રાણા પંથકમાં વાયરચોરીના બનાવો વધ્યાનું વિવિધ ફરિયાદો પરથી સામે આવ્યું હતું. નખત્રાણા પોલીસ મથકે લીલેશભાઇ પાંચાલીએ નોંધાવેલ ફરિયાદ મુજબ તા. 14/7ના સાંજથી બીજા દિવસની સવાર સુધી તેમની કોટડા (જ.)ની સીમની વાડીમાંથી સોલાર સિસ્ટમમાંથી 6 મીટર વાયર કિં. રૂા. 8900ની ચોરી થઇ હતી તથા વિશ્રામભાઇ લિંબાણીની વાડીમાંથી 18,250 અને રામજીભાઇ ભગતની વાડીમાંથી પણ આ જ રીતે રૂા. 7,390ના વાયરની ચોરી થઈ હતી. આમ કુલ્લ રૂા. 34,540ના વાયરની ચોરી અજાણ્યા ચોર ઇસમો કરી ગયા હતા . અત્રે ઉલ્લેખનીય છે કે, તા. 14/7ના રાતથી સવાર દરમ્યાન નખત્રાણા તાલુકાના રામપર (રોહા) અને બાલાચોડની સીમમાંથી પણ વાયરચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે મોટી વિરાણીની ત્રણ વાડીમાંથી વાયરની ચોરી થઇ હતી॰ આમ આ વિસ્તારમાં વાયરચોર સક્રિય થયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત લખપત તાલુકાના મોરગરની સીમમાં આવેલી આઇનોક્ષ એન.ટી.પી.સી.ની પવનચક્કીના દરવાજાનું તાળું તા. 27/7થી 31/7 દરમ્યાન તોડી તેમાંથી કોઇ અજાણ્યા ઇસમ વિવિધ વાયરનો જથ્થો જેની કિં. રૂા. 25 હજારની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ દયાપર પોલીસ મથકે સિક્યુરિટી સુપરવાઇઝરે નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.