ભુજમાં વ્યાજ આપવા બાબતે યુવાન પર છરી વડે હુમલો
copy image

માધાપરના યુવકે લીધેલા રૂા. 32,000ના વ્યાજ પેટે રૂા. 2,00,000ની પઠાણી ઉઘરાણી કરવા સાથે છરી મરાયાના મામલે ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે કાર્યવાહી કરી બે આરોપી અલ્તાફ માંજોઠી અને ઈમ્તિયાઝ લુહાર પકડાયા હતા. પોલીસ ફરિયાદમાં નોંધાવેલ માહિતી મુજબ, માધાપરની ચૈતન્યધામ સોસાયટીમાં રહેતા ફરિયાદી હિરેન હરેશભાઈ ડાભીને તેના મિત્ર એવા આરોપી ઈમરાન સમાએ ફોન કરી પોતાના ઘર નજીક બોલાવ્યો હતો, જ્યાં પહેલાંથી જ ખલીલ અને અલ્તાફ માંજોઠી હાજર હતા. ફરિયાદી ત્યાં જતાં ઈમરાને તેને આપેલા 32,000નું રૂા. 2,00,00 વ્યાજ આપવા જણાવ્યું હતું. આ પછી હિરેને કહ્યું હતું કે, 32 હજાર પૈકી 25 હજાર ચૂકવી આપ્યા છે, માત્ર 7 હજાર જ બાકી છે અને વ્યાજ બાબતે પહેલાંથી કાંઈ નક્કી થયું નહોતું, ત્યાર બાદ વ્યાજ આપવા આરોપી દ્વારા દબાણ કારાયું હતું અને થોડા દિવસ અગાઉ જેલમાંથી છૂટેલા ઈસ્માઈલ ઉર્ફે લડ્ડુને મોંઘો ફોન લઈ આપવા જણાવાયું હતું, જે અંગે હિરેને ના પાડતાં ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદીને બળજબરીથી દુકાનમાં ગોંધી રાખી મોબાઈલ તો આપવો પડશે, નહીં તો તને જાનથી મારી નાખીશ તેમ કહી ઈમરાને તેને પગમાં છરી મારી હતી. ત્યારપછી ડરી ગયેલા આરોપીઓએ ઈમરાનની કારમાં હિરેનને બેસાડયો હતો, જેમાં ડ્રાઈવર તરીકે ઈસ્માઈલ ઉર્ફે લડ્ડુ સહિતના આરોપીઓ બેઠા હતા. તે પછી ઈમરાને ઈમ્તિયાઝ લુહાર નામના તેના મિત્રને ફોન કરી ડોક્ટરની જાણ બહાર ભોગ બનનારની સારવાર કરાવવાનું જણાવ્યું હતું. ઈમ્તિયાઝે પોતે તબીબ તરીકે ખાનગી હોસ્પિટલમાં ટાંકા લેવા સહિતની સારવાર કરી હતી. સમગ્ર ઘટના અંગે ફરિયાદીના ભાઈને જાણ થતાં તેણે પોલીસ પાસે ધા નાખી હતી અને હિરેનની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર કરાવાઈ હતી. આ મામલે પાંચેય આરોપી સામે ભોગ બનનારા હિરેને ફરિયાદ નોંધાવી હતી, જે પૈકી પોલીસે અલ્તાફ માંજોઠી અને ઈમ્તિયાઝ લુહારને પકડી લીધા હતા, જ્યારે અન્ય આરોપીઓને પકડવા સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.