નખત્રાણામાં ચોર ટોળકી ફરી ત્રાટકી : વાડી વિસ્તારમાં 1.13 લાખના કેબલની ચોરી

copy image

copy image

નખત્રાણા તાલુકામાં જાણે કેબલ ચોરનારી ટોળકી સક્રિય થઈ હોય તેમ સતત બીજા દિવસે પણ પાનેલી, વિથોણ અને ઐયર ગામના વાડી વિસ્તારોમાંથી કુલ રૂા. 1,13,000ની વાયરચોરીની ફરિયાદ નખત્રાણા પોલીસ મથકે નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ પાનેલી ગામના સીમ વિસ્તારમાં આવેલી પવનચક્કી પરના દરવાજા તોડી અંદર રહેલી પેનલમાંથી જુદા-જુદા કોપર વાયર 416 મીટર કિ. રૂા. 45,000ની કોઈ ઈસમોએ ચોરી કરવા સાથે પવનચક્કીમાં તોડફોડ કરી રૂા. 40,000નું નુકસાન કર્યું હતું. બીજી તરફ વિથોણના વાડી વિસ્તારમાં આવેલી જમીન પર બોર માટે બનાવવામાં આવેલી બંધ ઓરડીના દરવાજા તોડી કોઈ ચોર ઈસમે તેમાં રાખેલા છ એમ. એમ.ના કોપર વાયર અંદાજિત 95 મીટર કિં. રૂા. 23,750ની ચોરી  કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. વાયરચોરીનો વધુ એક બનાવ ઐયર ગામમાં બન્યો હતો. ગામમાં આવેલી એક વાડીમાં રખાયેલા રૂા. 44,250ની કિંમતના કોપર કેબલ ઇસમો  ઉઠાવી ગયા હતા. અવિરત બનતા વાયર ચોરીના બનાવોમાં કોઈ ચોર ટોળકી સંડોવાયેલી હોવાનું આ વિસ્તારના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. પોલીસે ત્રણેય મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.