ગાંધીધામની યુવતી પાસેથી સુરતમાં 2.50 લાખ પડાવાયા
સુરતમાં રહેનાર એક પરિણીતાને તારા અનૈતિક સંબંધ છે તેવી ધમકીઓ આપી બે મહિલા સહિત ત્રણ લોકોએ યુવતી પાસેથી 2.50 લાખ બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. ત્રાસથી કંટાળી યુવતીએ આપઘાત કરવાની કોશિશ કરતાં બનાવ સપાટી ઉપર આવ્યો હતો. સુરતમાં રહેનાર એક પરિણીતાએ અઝીઝખાન, તેની પત્ની સાજીયા અને માતા હમીદા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કોરોનાકાળમાં અઝીઝ કમાતો ન હોવાથી સાજીયા અને હમીદા ભોગ બનનાર પાસેથી ટુકડે ટુકડે પૈસા લઇ ગયા હતા, જે પરત મગાતાં આ ત્રણેય આરોપીઓએ તારા અનૈતિક સંબંધ હોવાની વાત તારા પતિ અને સોસાયટીમાં કરી તને બદનામ કરશું તેવી ધમકીઓ આપતાં યુવતી ગભરાઇ ગયા હતા. આરોપીઓએ આવી રીતે ધમકીઓ આપી પૈસા વસૂલવાનું ચાલુ રાખ્યું હતું અને સ્કૂટી લેવા રૂા. 60,000ની માંગ કરાઇ હતી. મહિલા પાસેથી રૂા. 2.50 લાખ પડાવી લેવાયા છતાં રૂપિયાની માંગ ચાલુ રહેતાં આ ત્રાસથી કંટાળી યુવતી પોતાના પિયર ગાંધીધામ આવી ગયા હતા, ત્યાં પણ આરોપીએ ફોન કરી પૈસાની વાત કોઇને કરશો તો બદનામ કરવાની ધમકી આપી હતી. અંતે કંટાળેલા મહિલાએ ફિનાઇલ પી લેતાં તેમને સારવાર અર્થે લઇ જવાયા હતા. ગાંધીધામ પોલીસે આ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.